ગુજરાતમાં કોરોનાથી બીજું મોત

અમદાવાદ, તા. 25 : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સાથે આ મહામારીના દર્દીઓનો આંક 39 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 20688 દર્દી 14 દિવસના કવોરન્ટાઇન હેઠળ છે. દરમ્યાન રાત્રે મળતા સામાચાર મુજબ કોરોનાના કારણે અમદાવાદમાં પ્રથમ અને સુરત બાદ રાજ્યના બીજા દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલા મક્કા મદીનાથી પ્રવાસ કરેલા હતા. 85 વર્ષીય મહિલાએ સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડયો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે સર્વેલન્સ અને ટ્રેકિંગને વધુ સઘન બનાવ્યું છે. આજ સુધીમાં રાજ્યમાં 1,07,62,012 નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે. રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતો આપતાં  મીડિયાને ડો. રવિએ ઉમેર્યું કે આજે રાજ્યમાં વધુ ત્રણ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક અમદાવાદમાં જે દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક-એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે.રાજકોટમાં પણ 40 વર્ષના એક પુરુષનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે, બિનસત્તાવાર હેવાલ મુજબ વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આજ દિન સુધી અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. શ્રી રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 20,688 નાગરિકો 14 દિવસના ક્વોરન્ટાઇન હેઠળ છે જેમાં 430 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, 20,220 હોમ ક્વોરન્ટાઇન અને 38 ખાનગી ક્વોરન્ટાઇન હેઠળ છે. જે લોકોએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે તેવા 147 વ્યક્તિ સામે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. રાજ્યમાં 104 હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી 258 વ્યક્તિને સારવાર પૂરી  પડાઇ છે. ડૉ. રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના 4 મહાનગરોમાં કોરોના વાયરસવાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે જેમાં અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં 1583  આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે 609 વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિડ-19 અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer