શેરોનો 10 વર્ષનો સૌથી મોટો કૂદકો

મુંબઇ, તા. 25 : (ફૂલછાબ ન્યૂઝ) કોરોનાને લઇને વડાપ્રધાને ગઇકાલે 21 દિવસનું લોકડાઉન આપ્યું છે, છતાં લોકડાઉનના કારણની ઐસીતૈસી કરીને ભારતીય શેરબજારમાં તેજીવાળાએ વળતો પ્રહાર કર્યો હતો. સેન્સેક્સમાં 10 વર્ષનો સૌથી મોટો એકદિવસીય 1861 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. છેલ્લે 2009માં યુપીએ સરકાર સત્તા પર આવી ત્યારે આવી તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં 4.80 લાખ કરોડનો વધારો થયો હતો.સેન્સેક્સ બુધવારની તેજીમાં 28,535ની સપાટીએ બંધ  થયો હતો. નિફ્ટી આંક 6 ટકાની તેજીમાં 8297ની સપાટીએ બંધ થયો હતો. અમેરિકી બજારો ઓવરનાઇટમાં અને યુરોપીયન-એશિયન બજારો સવારથી સુધરતા ભારતમાં પણ તેજી આવી હતી. નિર્મલા સીતારમણે કોરોના મહામારીને લઇને અર્થતંત્રને થનારા નુકસાનથી બચાવવા પેકેજ જાહેર કરતાં બજારે પોઝિટિવ લીધું હતું. તેજીની આગેવાની રિલાયન્સે લીધી હતી. રિલાયન્સમાં 15 ટકાની તેજી થઇ હતી. ફેલબુક ઇન્કોર્પોરેશને કંપનીના ટેલિકોમ યુનિટ જીઓમાં અબજો ડોલરનો હિસ્સો ખરીદવા વાટાઘાટો કરી હોવાના સમાચારની અસર થઇ હતી. એચડીએફસી બેંક, કોટક બેંક અને એક્સીસ બેંક વગેરેમાં 9થી 12 ટકાની તેજી હતી.એનર્જી ક્ષેત્રના ઇન્ડેક્સમાં 10 ટકાની જોરદાર તેજી હતી. ફાયનાન્સ અને બેંકિંગ ક્ષેત્રના ઇન્ડેક્સમાં સાડા આઠ ટકાનો ઉછાળો આવ્યો હતો. કન્ઝ્યુમર ડયૂરેબલ્સમાં 6 ટકા અને ટેલિકોમ-ઓટોમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer