બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કોરોના

લંડન, તા. 25 : કોરોના વાયરસની ચપેટમાં આમલોકો જ નહીં વીઆઈપી પણ આવી રહ્યા છે. આ જ કડીમાં બ્રિટનના શાહી પરિવારનું નામ પણ જોડાઈ ગયું છે.બ્રિટનના મીડિયા અહેવાલો પ્રમાણે પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. બ્રિટનમાં આ જાનલેવા વાયરસથી અત્યાર સુધીમાં 8077 લોકો સંક્રમિત છે અને 422 જેટલાં મોત નોંધાઈ ચૂક્યાં છે. પ્રિન્સ ચાર્લ્સ પહેલાંથી જ સ્કોટલેન્ડમાં આઈસોલેશનમાં છે. જોકે તેમના પત્ની કેમિલાને કોરોના નેગેટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલાં જ ચાર્લ્સની મુલાકાત મોનૈકોના પ્રિન્સ એલ્બર્ટથી થઈ હતી જેમને બાદમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.કલેરેન્સ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રિન્સ ઓફ વેલ્સને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો  છે. તેમનામાં બીમારીનાં થોડાં લક્ષણ છે, પરંતુ તે સિવાય તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ પાછલા ઘણા દિવસથી ઘર પરથી જ કામ કરી રહ્યા હતા. ડચેઝ ઓફ કોર્નવેલનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. સરકારી અને તબીબી સલાહ પર પ્રિન્સ અને ડચેઝ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં આઈસોલેશનમાં રહી રહ્યાં છે.બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ અગાઉ જ બર્મિંઘમ પેલેસ છોડી દીધો હતો અને તેમને વિન્ડસર કેસલ લઈ જવાયાં હતાં, જ્યારે શાહી જવાબદારીઓ છોડી દેનારા પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે સંદેશ આપ્યો હતો કે તેઓ કોરોના વાયરસને માનસિક અને ભાવનાત્મક તણાવ અનુભવી રહેલા લોકોની મદદ કરવા માગે છે.બ્રિટન સરકાર ત્રણ સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી ચૂકી હતી, પરંતુ હવે તેના અમલ સામે સવાલો ઊઠી રહ્યા છે. તેનું કારણ એ છે કે ગઈકાલે દેશની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનો ખીચોખીચ જોવા મળી હતી. જોકે આ ટ્રેનોની સેવામાં કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓ પર તેની અસર જોવા મળતી નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer