બિટ્ટામાં પાંચ અને આશાપરમાં ત્રણે `હોમ કવોરેન્ટાઈન''નો ભંગ કર્યો

ભુજ, તા. 25 : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે દેશવ્યાપી સાવચેતીના પગલાંરૂપે સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરાયું છે. આ ઉપરાંત વિદેશથી કે અન્ય સ્થળોએથી આવેલાઓને હોમ ક્વોરેન્ટાઈન તળે રખાયા છે ત્યારે ગઈ કાલે 24મીના મુંબઈથી અબડાસા તાલુકાના બિટ્ટા આવેલા અને અંકલેશ્વરથી આશાપર આવેલા આ બે અલગ-અલગ પરિવારના આઠ શખ્સ વિરુદ્ધ હોમ ક્વોરેન્ટાઈન ભંગ કરી બહાર નીકળી ગયા હોવાની હકીકત સામે આવતાં પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે. આજે નલિયા પોલીસ મથકે આ અંગે નોંધાયેલા આ ગુનાની વિગતો મુજબ મુંબઇથી બિટ્ટા આવેલા સવિતાબેન નવીનભાઇ ભાનુશાલી, નવીનભાઇ દેવશીભાઇ માવ, કરણ નવીનભાઇ માવ, દીપા કરણભાઇ માવ, હર્ષિદા નવીનભાઇ માવ તેમજ અન્ય એક પરિવાર અંકલેશ્વરથી આશાપર આવેલો જેમાંના રમેશ મૂળજી ભાનુશાલી, ઠાકરશી મૂળજી ભાનુશાલી તેમજ પ્રેમશી ઠાકરશી ભાનુશાલીએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન તળે રખાયા હોવા છતાં ગઇકાલે તા. 24/3ના તેઓ બેદરકારી દાખવી બહાર નીકળી જતાં નલિયા પોલીસે કલમ 269, 188 તથા ધી એપેડેમિક ડિસીઝ એકટ 1897ની કલમ 3 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. એક દિવસ ફરિયાદ મોડી નોંધવાના કારણમાં ઉપરી અધિકારી સાથે ચર્ચા બાદ ફરિયાદ નોંધવાનું દર્શાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer