વાગડ પંથકના હજારો ખેડૂત છતે પાકે બેહાલ !

મનસુખ ઠક્કર દ્વારા-  ભચાઉ, તા. 25 : કોરોના વાયરસના પગલે 14મી એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન થતાં ચાલુ વર્ષે વાગડમાં ખેડૂતોએ નર્મદા કેનાલાનાં પાણી અને ગયા વર્ષે સારા વરસાદથી સંગ્રહ કરેલા જળથી સરેરાશ એકાદ લાખ એકરમાં ઘઉં, ઈસબગુલ, જીરું, રાયડો, એરંડા, કપાસ વગેરેનું મબલખ પાક ખેડૂતો પાસે વેચવા માટે પડયો છે. જે ન વેંચાતાં વાગડના હજારો ખેડૂતો છતે પાકે બેહાલ બનશે. અનેક ખેડૂતોને 200થી 300 મણ ઘઉંનો પાક લીધો છે. ચાલુ વર્ષે નર્મદા કેનાલમાં પૂરતું પાણી છોડવાથી મબલખ શિયાળુ પાકનો ઉતારો આવ્યો છે. ઉપરાંત ગયા વર્ષે સારા વરસાદથી અનેક ખેડૂતોએ પોતાની ખાનગી તલાવડી, ચેકડેમોનાં પાણીથી મબલબ પાક લીધો છે. 100 કિ.મી.માં નર્મદા કેનાલની બંને બાજુ પ-5 કિ.મીટરમાં 10 કિ.મી. સુધીમાં પાક મેળવ્યો છે.  આ પાક પહેલી માર્ચથી લણવાનું શરૂ કરાયું હતું. પરંતુ શરૂઆતમાં ઓછા ભાવને લીધે માંડ 5થી 7 ટકા માલ ખેડૂતોએ વેચ્યો છે. બાકી પડતર ઘરમાં રહેતા માવઠાં કે અન્ય જીવાંતમાં કેમ સાચવવો તે પ્રશ્ન થયો છે. વિશેષમાં કાચો માલ વપરાશ કરતી મિલો બંધ છે. માર્કેટયાર્ડ બંધ છે ત્યારે આ માલ કયારે વેચાશે તે પ્રશ્ન છે. આ માલ સમયસર વેચાય તો ગત ચોમાસાની ખોટ અને હાલની મંદીને ભુલાવી દે એટલો મબલખ પાક કુદરતે આપ્યો છે.ખડીરના એક ખેડૂત પાસેથી મળેલી માહિતી મુજબ અને ધારાશાત્રી એલ.કે. વરચંદના જણાવ્યાનુસાર ગેડીમાં ખેડૂતે 300 મણ પાક લીધો છે  જે વેચી નથી શકાતો. રવ, ગેડી, ડાવરી, દેશલપરમાં ખેતરો સુખડી ઉપર કે ભાગમાં રાખ્યા છે, જેના અનેક ખેડૂતો છે કે જેમણે 200થી 300 મણ ઘઉંનો પાક મેળવ્યો છે. 20 વર્ષમાં વાગડમાં પ્રથમ બનાવ છે કે ઘઉંનું આટલું વાવેરત કરાયું હોય.સુવઈ, ગવરીપર, રામવાવ, ખેંગારપર, જેસડા, રવ, નંદાસર, ત્રંબો, બાલાસર, દેશલપર, સલારી, ફતેહગઢની, ચોબારી, કણખોઈ, ભરૂડિયા, એકલ, કરમરિયા, ખારોઈ, મનફરા, લુણવા, નેર, માય, લાખાવટ, મેઘપર, ચોપડવા વગેરે સુધી નર્મદાનું નીર કેનાલમાંની પાઈપ દ્વારા પાંચ કિલોમીટરથી વધુ સુધી ખેંચીને આ પાક લેવાયો છે. જેમાં બિયારણથી લઈ માવજતથી પેદાશ લેવા લોહી-પાણી એક કરી ખર્ચા કર્યા છે. આમ માલ ન વેચાતાં  ટ્રેક્ટરની લોનના હપ્તા ભરવામાંમુશ્કેલી થશે. ઘઉંનો ઉતારો એક એકરે 25થી 30મણ, એરંડાનો એકરે 40થી 50 મણ અને જીરાનો એકરે 8થી 12 મણ પાક ઊતરે આમ છતે માલે પૈસા વગર આ ખેડૂતો પાયમાલ થયા છે. 14મી એપ્રિલ પછી બજાર સ્થિર થાય, માલ વેચાય પછી ખબર પડે  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer