જરૂરી વસ્તુઓ-દવાઓ ઉપલબ્ધ રહેશે

ભુજ, તા. 25 : કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં 21 દિવસ માટે લોકડાઉન છે, ત્યારે લોકડાઉનનો સીધો સાદો અર્થ એ થાય છે કે, લોકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. ભારતનાં વડાપ્રધાન દ્વારા આખા દેશને આ અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક માત્ર ઉપાય છે. કોરોના વાયરસનાં ચેપનું ચક્ર તોડવા માટે 21 દિવસ મહત્ત્વનાં છે. પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમગ્ર દેશ માટે આ 21 દિવસના લોકડાઉનનો અમલ કરવો જ રહ્યો, તેવું કલેક્ટર પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું. લોકડાઉનથી ગભરાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ લોકોને રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું અવિરત મળતા રહેશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જીવનોપયોગી વસ્તુઓના વેચાણ માટે સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત લોકોને ઘરે ઘરે આ જીવન જરૂરિયાત ચીજો મળી રહે તે માટે વેપારીઓને હોમ ડિલિવરી કરવા પણ કહેવામાં આવ્યું છે.સમગ્ર જિલ્લામાં દવાની દુકાનો અને મેડિકલફેસિલિટી પણ સતત ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત બીજી આવશ્યક સેવાઓ જેવી કે, બેંક, વીમા ઓફિસ, એટીએમ ચાલુ રહેશે. તેમજ પેટ્રોલ પંપ, એલપીજી, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને વિતરણની સેવાઓ ચાલુ રહેશે. લોકો પોતાના ઘરમાં જ રહે અને કોઇપણ જાતની અફવાઓ અને અંધ વિશ્વાસથી બચે. લોકો દુકાનો પર જ્યારે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જાય  ત્યારે અંતર જાળવે અને દુકાનો પર ભીડ ન કરે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer