મુંદરા બંદરે ચાર લાખ માસ્ક આવ્યા હોવાની ચર્ચા

મુંદરા, તા. 25 : એક તરફ પોલીસ તંત્રે કડક પગલાં લેતાં નગરના મુખ્ય માર્ગો ઉપર સોંપો પાડી દીધો હતો તેમ લોકો પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્વયંશિસ્તમાં આવી ગયા છે. દરમ્યાન બંદર પરિસરમાંથી મળતા સમાચાર મુજબ કોરોના વાયરસના સંક્રમણને વ્યક્તિગત રીતે ખાળવા માટે વપરાતા માસ્કનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો છે. નિકાસ માટે સ્થાનિકે આવેલા બે કન્ટેનરોમાં અંદાજે ચાર લાખ જેટલા માસ્કને નિકાસની પરવાનગી ન આપતાં સ્થાનિકે ગોડાઉનમાં પડયો હતો. જેની જાણ સ્થાનિક પ્રાંતઅધિકારી કે.જી. ચૌધરીને થવા તેમણે જરૂરી કાર્યવાહી કરી બે કન્ટેનરને ગુજરાત સરકારને આપવાના હેતુથી  છોડાવવામાં આવ્યા. કસ્ટમના ચીફ કમિશનર શ્રીવાસ્તવ, ડે. કમિશનર (નિકાસ) પુનિત ગુનાવત, ડે. કમિશનર અનુપ?સિંગ અને અદાણી કંપનીના પ્રતિનિધિઓએ સાથે મળી કસ્ટમ ફાઈન પેનલ્ટી લગાડવા વગર હસ્તગત કર્યા હતા. આ ચાર લાખ જેટલા માસ્ક કેટલાક જામનગર જશે જ્યારે બાકીના  કચ્છમાં રહેશે જેનો આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્ર ઉપયોગ કરશે, તેવું નક્કી થયું હતું. આજના અન્ય ઘટનાક્રમમાં મોલ અને કરિયાણાની દુકાનની બહાર ખરીદી કરવા આવતા લોકો એક મીટરનું અંતર જાળવીને ખરીદી કરે તે માટે જમીન ઉપર ચૂનાથી માર્કિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પી.આઈ. પી.કે. પટેલે માહિતી આપતાં જણાવ્યું કે મહાવીર સુપર માર્કેટની બહાર કરવામાં આવેલા આ પ્રયોગને સફળતા મળતાં ગ્રા.પં.ના સરપંચ ધર્મેન્દ્ર જેશરને વાત કરતાં તેમણે  ગ્રા.પં. દ્વારાવધુ વિસ્તારમાં આ પ્રકારના માર્કિંગ કરી ભીડને અંકુશમાં રાખવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો.એ.પી.એમ.સી.માં ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ અને સ્ટાફના સભ્યો દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાકભાજી અને ફળફળાદીનું હોલસેલ વેચાણ સવારે 4થી 7 વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. જીવન જરૂરિયાતની આ વસ્તુઓની તંગી કે અછત ન થાય તેની તાકીદ બજાર સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ધ્રબથી મળતા સમાચાર મુજબ ગ્રા.પં. અને તુર્ક મેડિકલ ટ્રસ્ટના સહયોગથી આખા ગામને સેનિટાઈઝ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. યશ એન્ટરપ્રાઈઝ અને તુર્ક ઈબ્રાહીમભાઈએ પાણી ટેન્કર, ટ્રેક્ટરની સુવિધા પૂરી પાડી હતી. ઉપરાંત ધ્રબ હોસ્પિટલ અને ગ્રા.પં. તરફથી રિક્ષાથી મફત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરપંચ અદ્રેમાનભાઈ તુર્ક અને ગ્રા.પં.ના સભ્યોનો સહયોગ મળ્યો હતો જ્યારે ગાંધીધામના એક નિકાસકાર દ્વારા બહારથી મજૂરો લાવીને એક ખાનગી સી.એફ.એસ.માં ચોખાના કન્ટેનરો ભરવાની કામગીરી ચાલુ હતી તેવું જાણવા મળ્યું છે.શાકમાર્કેટ શાત્રી મેદાન ખાતે ખસેડાઈ જવાથી જવાહર ચોકના રહેવાસીઓએ રાહતનો દમ લીધો હતો. પોલીસતંત્રની મોબાઈલ સતત ફરતી રહી હતી. પરિણામે ઓટલા પરિષદ અને શેરી ક્રિકેટ બંધ થયેલી જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી  તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગિરિવર બારિયાનો મોબાઈલ નો-રિપ્લાય આવે છે. નગર અને આસપાસના રોજિંદુ કમાઈને ખાનારા  પરિવારોનો સર્વે કરવાનું કામ જનસેવા સંસ્થાને સોંપવામાં આવ્યું છે. રાજ સંઘવીના જણાવ્યા અનુસાર આવા 65થી વધુ પરિવારો પ્રાથમિક તબક્કે નોંધવામાં આવ્યા છે જેને સરકારની યોજનાનો લાભ અપાવવા પ્રયત્ન કરવામાં આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer