લોકડાઉન છે ત્યાં સુધી સમાઘોઘા, બેરાજા, પત્રી, વાંકી અને વડાલા જૈન મહાજન સાધર્મિક ભાઇઓને મદદ કરશે

મુંબઇ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોરોના વાયરસની મહામારીના કારણે મહાનગરમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં જેમની આવક બંધ થઇ ગઇ હોય તેવા પરિવારોને સહાયરૂપ થવા કચ્છી વીશા ઓસવાળ સમાજના પાંચ ગામના મહાજનોએ નિર્ણય  કર્યો છે. આ મહાજનોમાં સમાઘોઘા, બેરાજા, વાંકી, પત્રી અને વડાલા ગામોનો સમાવેશ થાય છે. મોટા ભાગે દર અઠવાડિયે રોકડ સહાય આપવાનું નક્કી કરાયું છે. આ મદદ લાભાર્થીને કઇ રીતે પહોંચતી કરવી એ બાબતે પણ વિચારણા કરાઇ છે. અમુક મહાજને અનાજ કિટ આપવાં પણ વિચાર્યું છે. સમાઘોઘા જૈન મહાજને મુંબઇમાં રહેતા નોકરિયાત વર્ગ કે આર્થિક રીતે જરૂરિયાતમંદ પરિવારોને દાતાઓના સહયોગથી જીવન નિર્વાહ કિટ આપવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે બેરાજા જૈન મહાજન તરફથી નોકરિયાત વર્ગ કે આર્થિક નબળા પરિવારોને દાતા પરિવાર રાહુલ કાંતિલાલ સાવલા તરફથી જીવન જરૂરી ચીજવસ્તુઓની કિટ આપવામાં આવશે. વાંકી મહાજન તરફથી રોજંદારી કામ કરતા કે નાના પાયે ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય તેવા પરિવારોને લેકડાઉન છે ત્યાં સુધી રૂા. 1500 પરિવારદીઠ અપાશે.પત્રી મહાજને જરૂરિયાતમંદ પરિવારોને દર અઠવાડિયે 1500 રૂા.ની સહાય કરવાનું નક્કી કર્યું છે તો વડાલા જૈન મહાજને રોજંદારી પર કામ   કરતા હોય અથવા નાના પાયે ગૃહ ઉદ્યોગ કરતા હોય તેવા પરિવારને પરિવારદીઠ રૂા. 2000 દર અઠવાડિયે આપનાર છે. અલબત્ત, આ આર્થિક સહાય સાધર્મિક ભાઇઓને કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  વધુ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. બીજા ગામો પણ આ બાબતે વિચારણા કરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer