ગાંધીધામ આવેલા કોરોનાગ્રસ્ત દર્દીનાં મોત બાદ સંકુલમાં ભારે ઉચાટ

ગાંધીધામ, તા. 25 : દુબઈમાં વ્યવસાય અર્થે રહેતા અને તાજેતરમાં ગાંધીધામ ખાતે આવી મુંબઈ ગયેલી વ્યક્તિનું કોરોના વાયરસથી મોત નીપજ્યાની ઘટના બાદ ગાંધીધામ સંકુલમાં ભારે ઉચાટ ફેલાયો છે. હાલ તંત્રએ કવોરેન્ટાઈન કરેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો ભારે ચિંતિત બન્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ મુંબઈની હોસ્પિટલમાં અવસાન પામનારા આધેડ મૂળ ગાંધીધામના વતની છે. દુબઈથી ગાંધીધામમાં એસ.ડી.એકસ. સાઉથ વિસ્તારમાં આવેલા તેમના ભાઈના ઘરે આવ્યા હતા. તેમને ચક્કર આવવાની સાથે શરદી તાવ જેવી બીમારી બહાર આવી હતી.આ દરમ્યાન તેમણે ગાંધીધામના ત્રણ તબીબો પાસેથી સારવાર લીધી હતી. ગઈકાલે સાંજે આ બનાવ બહાર આવ્યા બાદ મૃતકના સંપર્કમાં આવેલા પરિવારજનો અને ત્રણ તબીબ સહિત 17 જેટલા લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.  પરિવારના 14 જણ પૈકી એક સંબંધી રેલવે વિભાગમાં નોકરી કરે છે જે પણ અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યા છે. આ કારણોસર રેલવે વિભાગ દ્વારા તેમને સાથે કોણ-કોણ સંપર્કમાં આવ્યા તેની તપાસ આદરી હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. દરમ્યાન મૃતક આધેડ દુબઈથી વિમાનમાં અમદાવાદ આવ્યા હતા. વિમાનમાં જ તેમને ચેપ લાગ્યો હોવાની આશંકા જાણકારોએ વ્યકત કરી હતી. અમદાવાદથી ગાંધીધામ આવ્યા બાદ ગત તા. 13/3ના ભુજ બાન્દ્રા એ.સી. એકસપ્રેસ રેલ મારફતે મુંબઈ પહોંચ્યા હતા.જ્યાં મુંબઈની હોસ્પિટલમા 23 માર્ચના સાજે તેમનું મોત નીપજ્યું હતુ. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે મુંબઈની હોસ્પિટલ દ્વારા કચ્છના આરોગ્ય તંત્રને જાણ કરાયા બાદ ગઈકાલ સાંજથી તંત્ર દોડધામમાં પડયું છે. મૃતકે ટ્રેનમાં પણ પ્રવાસ કર્યા હોવાથી મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા હોવાની દહેશત જાણકારો વ્યકત કરી રહ્યાં છે. તેમજ ભુજમાં કવોરેન્ટાઈન કરાયેલા તબીબો પાસે તા. 16થી 23 દરમ્યાન તપાસ કરાવનારા લોકો પણ ચિંતામાં પડી ગયા છે. આવી સ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા ચાવલા ચોકમાં રહેણાંક વિસ્તારમાં ક્રીનિંગ કરવાના બદલે માસ્ક સર્વેની કામગીરી જ કરાઈ હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer