રેલવેના રનિંગ સ્ટાફના આરોગ્ય ઉપર ખતરાની આશંકા

ગાંધીધામ, તા. 25 : દેશભરમાં ત્રણ સપ્તાહ સુધી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે માલ પરિવહનની કામગીરી સંભાળનારા રેલવેના લોકોપાઈલટ અને ગાર્ડના આરોગ્યની સુરક્ષા સામે બાયોમેટ્રિક હાજરીની વ્યવસ્થાના કારણે સવાલ ઊભો થયો છે. રેલવે પ્રશાસન દ્વારા દેશભરમાં ઓનલાઈન હાજરીની વ્યવસ્થા રદ ન કરાતાં 80 હજાર કર્મચારીઓ પર વાયરસના સંક્રમણની દહેશત વ્યક્ત થઈ રહી છે. રેલવેનો રનિંગ સ્ટાફ લોકોપાઈલટ, આસિસ્ટન્ટ લોકોપાઈલટ અને ગાર્ડ પોતાના અને પરિવારના જીવનને જોખમમાં નાખી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ દેશભરમાં પહોંચાડે છે. રનિંગ સ્ટાફને ઓન ડયૂટી અને ઓફ ડયૂટી થવા માટે બાયોમેટ્રિક હાજરી અને બ્રીથેનાલાઈઝર ટેસ્ટ કરાવાય છે. કર્મચારી ડયૂટી ઉપર ચડતા કે ઊતરતા પૂર્વે નશાયુક્ત હાલતમાં છે કે નહીં તેની તપાસ માટે બ્રીથેનાલાઈઝર ટેસ્ટ કરાવવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણની ભારતમાં શરૂઆત થતાં જ પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે વ્યાપક પ્રયાસો કરાયા હતા. સીએમએસ કીઓસ્ક ટચ ક્રીનમાં ઓન ડયૂટી ઓફ ડયૂટી થવાથી રેલવે કર્મચારીઓમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અનેકગણી વધી જવાની ભીતિ સેવાઈ રહી છે. ઓલ ઈન્ડિયા રનિંગ સ્ટાફ એસોસીએશન દ્વારા આ વ્યવસ્થા સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે. અગાઉ રેલવે પ્રશાસન દ્વારા ઓન ડયૂટી ઓફ ડયૂટીમાં કામગીરી મેન્યુઅલ કરવામાં આવતી હતી, પરંતુ 24 કલાક બાદ કોઈ પણ કારણોસર આ વ્યવસ્થા રદ કરી જૂની સ્થિતિ યથાવત કરી હતી. ગાંધીધામ મંડલની વાત કરીએ તો 700 જેટલો રનિંગ સ્ટાફ કાર્યરત છે. હાલ પેસેન્જર ટ્રેનો બંધ છે અને માલગાડી ચાલુ છે ત્યારે 350 જેટલો સ્ટાફ કાર્યરત છે. ત્યારે કર્મચારીઓના હિતમાં હાજરીની મેન્યુઅલી પદ્ધતિ કરવામાં આવે તેવી મોટા રનિંગ સ્ટાફમાં માંગ પ્રબળ બની છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer