ખાનગી તબીબોને કોરોના સંબંધી આરોગ્ય સેવામાં યોગદાન આપવા અનુરોધ

ગાંધીધામ, તા. 25 : આરોગ્ય વિભાગના અગ્રસચિવે રાજ્યના ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઇચ્છુક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેકટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડિકલ પ્રેક્ટિસ કરતા તમામ મેડિકલ પ્રેકિટસનર્સ, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના, હોસ્પિટલ તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો જે-તે તબીબે જિલ્લા કક્ષાએ, જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અથવા અધિકૃત કરેલી વ્યક્તિને તાત્કાલિક જાણ કરવા કહ્યું છે. કોરોના વાયરસ રોગની અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના સુચારુ અમલીકરણ હેતુ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત ઝોનલ કક્ષાએ સિનિયર આઇ.એ. એસ. અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નીમવામાં આવ્યા છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, વડોદરા માટે શિક્ષણ વિભાગના સચિવ  વિનોદ રાવ, સુરત માટે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટેશનના કમિશનર એમ.એસ. પટેલ અને રાજકોટ, ભાવનગર માટે ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer