નાંદાબેટનું સૌંદર્ય વિદેશીઓએ માણ્યું

નાંદાબેટનું સૌંદર્ય વિદેશીઓએ માણ્યું
ખેંગાર પરમાર દ્વારા-  આડેસર (તા. રાપર), તા. 28 : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ચાલુ વર્ષથી પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશથી હાથ ધરાયેલા એક નવતર પ્રકલ્પ અનુસાર વિદેશોમાં વસતા સુખી-સંપન્ન ભ્રમણવીરોને ભારતમાં વિવિધ વિસ્તારોમાં ફેરવી ભારતીય સંસ્કૃતિ, વિરાસત વારસાથી વાકેફ કરાવી સ્થાનિકના ધંધાર્થીઓને આર્થિક ફાયદો કરાવવામાં આવે છે. આવી એક વિદેશીઓની ટીમે આજે નાંદાબેટની મુલાકાત લીધી હતી. દિલ્હીથી 23 દિવસની એક ટૂર 21 ગન સેલ્યુટ હેરિટેઝ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના નેજા હેઠળ ભારતના વિવિધ પ્રાંતમાં ભ્રમણ કરવા નીકળી છે. ટ્રસ્ટના ચેરમેન મદનમોહનના જણાવ્યાનુસાર નાંદા પહોંચેલી વિદેશીઓની ટીમ દિલ્હીથી આગ્રા, ભરતપુર, સવાઇ માધોપુર, વડોદરા, સંતરામપુર, ડુંગરપુર, ઉદયપુર થઇને કચ્છ સહિત કુલ 23 દિવસમાં 4 હજાર કિ.મી.નો પ્રવાસ કરી પરત વિદેશ જશે. મોંઘીદાટ ગાડીઓના વિશાળ કાફલામાં `િવન્ટેજકાર'નું આકર્ષણ જગાવતી આ યાત્રા આડેસરથી 16 કિ.મી. નાંદાબેટમાં  પહોંચી ત્યારે પાણી ક્યાંય નહોતું પણ સુરખાબ પક્ષીઓના ધાડાના ધાડા ઊતર્યા હોવાથી સહેલાણીઓ સમી સાંજે ખુશ થઇ ગયા હતા અને હજુ એક વખત આવવું પડશે તેવા વિચારો ભાષાનું અંતર હોવા છતાં વ્યકત કર્યા હતા. આ વિદેશી પ્રવાસીઓને આડેસર વનતંત્રએ કોઇ જ ગાઇડ ફાળવ્યા નહોતા, પરંતુ આડેસર સ્થિત કચ્છમિત્રના પ્રતિનિધિએ સહર્ષ એ જવાબદારી ઉઠાવી રણ, નમક, સુરખાબ અને નાંદાબેટ પરના જીવન વિશેની વિગતો સમજાવી હતી, જેનું ભાષાંતર ટ્રસ્ટના પ્રમુખે કર્યું હતું. બનાસ નદીના પાણી રણમાં ભરાતાં થતી  ઝીંગા માછલી અને તેની ખેતી અંગે પણ તેઓ વાકેફ થયા હતા. જો કે, હવે ઝીંગાના કન્ટેનર જામનગરથી દુબઇ જતા હોવાનું જાણી તેઓએ ભાવ માગ્યા હતા અને પોતે આ ઝીંગા કેટલા મોંઘા ભાવે મેળવે છે તે પણ જણાવ્યું હતું. રાત્રિરોકાણ આ રણમાં વિતાવ્યા બાદ સવારમાં ભુજ જવા માટે રવાના થશે. તેમની સાથે રાજસ્થાનના સ્થાનિક માણસો પણ છે જે રસોઇ, ટેન્ટ બાંધવાનું કામ અને અન્ય કામ કરે છે. વિદેશી લોકો સાથે રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકો કંઇક અલગ જ માહોલ બનાવે છે. સ્થાનિક ફોરેસ્ટના બીટગાર્ડ એન.એન. સામતિયાએ 2015ના જાહેરનામા મુજબ આ ફોરેસ્ટરો પર દર ગાડીએ 2800નો અને દર કેમેરાએ 1200 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો હતો. તેમને આ ટૂરિસ્ટોને ગાર્ડની સુવિધા કેમ નથી આપી ? તો તેમણે જણાવ્યું કે, ચાર દિવસ અગાઉ પરમિશન માગવા આવ્યા ત્યારે ગાર્ડની આ લોકોએ ના પાડી હતી. તમે બીજીવાર આવો ત્યારે અહીં શું-શું હોવું જોઇએ ? તેવું પૂછતાં મદનમોહને જણાવ્યું કે, કચ્છની ઓળખ સમાન વસ્તુઓની માર્કેટ, સ્થાનિક સંગીતકારો, સ્થાનિક ગવૈયાઓ જો અહીં આવીને પોતપોતાની કલા બતાવે તો જે ટૂરિસ્ટો આવ્યા છે તેઓ ખૂબ જ પૈસાદાર છે. તેઓ આવનારને ખૂબ-ખૂબ રાજી કરે તેવા છે. બીજીવાર આવીએ ત્યારે આવું કંઇક હોય તો આવનારાને ખૂબ મજા આવે અને બીજીવાર આવવાનું વધારે મન થાય. બીજીવાર ક્યારે આવશો ? એના જવાબમાં કહ્યું કે, આ લોકોથી ગરમી સહન ના થાય એટલે શિયાળા અને ઉનાળાની મોસમના વચલા દિવસોમાં  આવવાનું વધારે પસંદ કરે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer