ગાંધીધામ સુધરાઇએ પોલીસ બંદોબસ્ત વચ્ચે વાડા ગામે કચરાની સાઇટ પર કચરો ઠાલવ્યો

ગાંધીધામ સુધરાઇએ પોલીસ બંદોબસ્ત વચ્ચે વાડા ગામે કચરાની સાઇટ પર કચરો ઠાલવ્યો
ગાંધીધામ, તા. 28 : અહીંની પાલિકાની શિણાય ડમ્પિંગ સાઇટ બંધ થયા પછી અંજાર તાલુકાના વાડા ગામમાં સાઇટ શરૂ કરાઇ હતી, પરંતુ અહીં ડખો થયા બાદ પાલિકાને ગોદામ ભાડે રાખવાની નોબત આવી હતી. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વાડા ગામની સીમમાં કચરો ઠલવાતાં વાતાવરણ ગરમ બન્યું હતું. ગાંધીધામ નગરપાલિકાની શિણાય ડમ્પિંગ સાઇટ બંધ થયા પછી આ શહેર અને સંકુલમાં અનેક જગ્યાએ કચરાના ગંજ ખડકાયા છે. આ સમસ્યાને પહોંચી વળવા જિલ્લા સમાહર્તાના આદેશ બાદ વાડા ગામની સીમમાં લેન્ડફીલ સાઇટ બનાવાઇ હતી.અહીં થોડા સમય માટે કચરો ઠલવાયા બાદ ગ્રામજનોના વિરોધને પગલે પાલિકાને અહીં ખાનગી ગોદામ ભાડે રાખવાની ફરજ પડી હતી. છેલ્લા કેટલાક સમયથી વાડાની સીમમાં કચરો ઠલવાતો નહોતો તથા ખાનગી ગોદામો પણ ઊભરાવા લાગતાં આજે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ વાડા ગામે ગઇ હતી, જ્યાં લેન્ડફીલ સાઇટ બાજુ જવાના માર્ગને જેસીબીથી ખોદી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ વેળાએ  થોડા સમય માટે વાતાવરણ ગરમ બન્યું હતું. દરમ્યાન પોલીસે દરમ્યાનગીરી કરતાં સવારે અને સાંજે થોડા ડમ્પર પૈકીના કચરાનો નિકાલ આ સાઇટ ઉપર કરવામાં આવ્યો હતો.આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે આવતીકાલે ગામમાં અંજાર પ્રાંત અધિકારી, અંજાર ડીવાયએસપી અને અહીંની પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ગામના લોકો સાથે બેઠક યોજશે તેવું સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું હતું. આ સંકુલમાં કચરાના ઢગલાઓને કારણે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ત્યારે આ લેન્ડફીલ સાઇટ અંગે યોગ્ય નિર્ણય કરવા અહીંના લોકોમાં માંગ ઊઠી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer