વિશ્વના અનેક દેશોમાં `જીઓપાર્ક'' છે, કચ્છમાં કાં નહીં ?

વિશ્વના અનેક દેશોમાં `જીઓપાર્ક'' છે, કચ્છમાં કાં નહીં ?
ભુજ, તા. 28 : કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગમાં સ્પેનના પ્રો. કેવિન પેજ અને જર્મનીના પ્રો. ફ્રાન્સ ફુરસિક દ્વારા જીઓલોજીના વિદ્યાર્થીઓને સ્પીટીની ખીણના તથા કચ્છના જુરાસિક ખડકોમાં મળતાં અનેક અપૃષ્ઠવંશી જળચર પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આવી અમૂલ્ય તક માટે મુખ્ય સૂત્રધાર એવા આ વિભાગના એડજેક્ટ  પ્રોફેસર ડી. કે. પાંડે દ્વારા જર્મનીની એરલાંગન યુનિવર્સિટી તથા એલેક્ઝાન્ડર ડી. હમ્બોલ્ટ ફાઉન્ડેશન સાથે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગનું જોડાણ શક્ય બનાવ્યું. પ્રો. ફ્રાન્સ દ્વારા તેમનો વિશ્વના જુરાસિક ખડકોનો બહોળો અનુભવ અને ખાસ કરીને નેપાળ તથા સ્પીટીની ખીણના જુરાસિક અને ક્રિટેશિયસ ખડકસ્તરોનો અભ્યાસ રિસર્ચ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને વહેંચ્યો હતો. હિમાલયના અશ્મિઓ અને કચ્છના અશ્મિઓનો મૂળભૂત ભેદ શું છે તે પણ સમજાવ્યો હતો. જુરાસિક સમયમાં કચ્છ એક સાંકડી ફાટખીણની જેમ અસ્તિત્વમાં હતું જ્યારે હિમાલયના નિક્ષેપો ખુલ્લા દરિયામાં બની રહ્યા હતા. જેથી એક જ સમયે મળતા એક જેવા પ્રાણીઓમાં પણ ઘણો ભેદ જોવા મળે છે. તદઉપરાંત હિમાલયના નિક્ષેપો વધુ વિકૃતિકરણ પામેલા હોઈ ક્યારેક અશ્મિવિહીન પણ જોવા મળતા હોય છે. અત્રે એ નોંધનીય છે કે પ્રો. ફ્રાન્સના માર્ગદર્શન હેઠળ આ વિભાગના રિસર્ચ સ્કોલર સૂરજ ભોસલે તથા કેતન ચાસ્કર આવતા મહિને જર્મની ખાતે ખાસ ટ્રેઈનિંગ માટે જઈ રહ્યા છે. પ્રો. કેવિન પેજ ખાસ કરીને ઈન્ટરનેશનલ જીઓલોજીકલ કોંગ્રેસના ક્ષેત્રિય અભ્યાસના ભાગરૂપે કચ્છ આવ્યા છે. જ્યારે વિશ્વની આ સૌથી મોટી જીઓલોજીકલ કોન્ફરન્સ કોરોના વાયરસને કારણે મુલતવી રહી ત્યારે ભારતના ખૂણે ખૂણે યોજાનારું ફિલ્ડ વર્ક ચાલુ રાખવામાં આવ્યું હતું. તે અંતર્ગત તેમના ક્ષેત્રિય અભ્યાસના સૂત્રધાર પ્રો. ડી.કે. પાંડે રહ્યા છે. કેવિન પેજ પ્રિંગરની એક પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ રિસર્ચ જર્નલ જીઓ-હેરિટેજના ચીફ એડિટર પણ છે. કચ્છની ભૂસ્તરશાત્રીય વિરાસતને ધ્યાને લેતાં વક્તાએ જીઓલોજીના વારસાને વ્યવસ્થિત રીતે જાળવવાની વાત કરી હતી અને આ વિભાગ સમગ્ર ભારતમાં તેની પહેલ કરી શકે તેમ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વિશ્વમાં અનેક દેશોને આ વારસાની મોડી ખબર પડી પરંતુ તેઓ સમયસર ચેતી ગયા અને સ્થાનિક પ્રજાની ભાગીદારીથી અને સમજથી અમૂલ્ય ભૂસ્તરીય વારસાને બચાવી શક્યા છે. વળી જો સ્થાનિક કે ક્ષેત્રિય સરકાર આ બાબતે ઉપેક્ષા સેવે તો જે-તે ઉદ્યોગોની સહાયથી તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંગેની ધનરાશિથી આ વારસાને સંપૂર્ણ નાશ પામતો બચાવી લેવાય. જેમ રાજાઓના મહેલો, કિલ્લાઓ, દરિયા કિનારાઓ કે મંદિરો અને પુરાતત્ત્વીય જગ્યાઓ જોવા પ્રવાસીઓ આવતા હોય તો ભૂસ્તરીય મહત્ત્વનાં સ્થળોની મુલાકાત પણ તેના ઐતિહાસિક વર્ણનથી રસિક બનાવી શકાય અને ગામડાંના સામાન્ય માણસને પણ તેના વિસ્તારના ભૂસ્તરીય મહત્ત્વની સમજ આપીને તથા તેને આ વારસો ભૌતિકરૂપે જાળવવા માટે રોજગાર પણ આપી શકાય. કચ્છમાં પ્રધાનમંત્રીના વિશેષ પ્રયત્નોથી જેમ બેજોડ એવા ભૂપૃષ્ઠીય ભૂમિભાગ-સફેદ રણને વિશ્વ સ્તરે પ્રવાસનના મહત્ત્વના સ્થળના રૂપમાં સ્થાન મળ્યું છે તેમ આવાં સ્થળોને પણ વિકસાવી શકાય. એટલે જ જીઓ-હેરિટેજ એક મહાન અભિયાન છે અને એક કે બે દિવસમાં ઉકેલ લાવવો શક્ય નથી અને વર્ષો લાગી જશે, પરંતુ જો રાજકારણના ધ્યાને આ બાબત આવે અને સમજવામાં આવે તો તેને જલ્દીથી બચાવી શકાશે. આ બાબતનો જો કાયદો ઘડી કાઢવામાં આવે તો સમાજમાં જલ્દી સમજણ આવી જશે, પણ તે અંગે વિશ્વસ્તરે જેમ અનેક ભૂસ્તરશાત્રીઓ લડી રહ્યા છે તેમ આપણા દેશમાં પણ જરૂર છે. ચીન આ બાબતે વિશ્વના બધા દેશોથી ઘણું આગળ છે, તેઓએ તેમના દેશમાં અનેક જીઓ-હેરિટેજ પાર્ક બનાવ્યા છે. પ્રો. પેજ દ્વારા યુરોપ અને ઈંગ્લેન્ડના અનેક જીઓપાર્કની સમજ આપવાં આવી હતી. પ્રો. એમ.જી. ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં આવા અનેક જીઓ હેરિટેજ પાર્ક બનાવી શકાય એમ છે. જ્યારે સમગ્ર કચ્છને એક નેશનલ જીઓ હેરિટેજનો દરજ્જો મળે તો પ્રવાસન ઉદ્યોગ પણ સારી રીતે ખીલી શકે છે. જો સ્થાનિકેથી આ બાબતે પહેલ થાય તો તેઓ વિશ્વ ફલક પર યુનેસ્કોને કે આઈ.યુ.જી.એસ.ને ભલામણ કરી શકે. આમ આવા વૈશ્વિક કક્ષાના વિજ્ઞાનીઓ કચ્છ યુનિવર્સિટીના આંગણે આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે એ એક ગૌરવની વાત છે. અંતમાં પ્રો. ઠક્કરે જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો આ યુનિવર્સિટીની શાખને સતત બગાડવાની કોશિશ કરે છે જ્યારે આ વિભાગ સતત વૈશ્વિક હસ્તીઓને  બોલાવીને  જીઓલોજી અને એન્વાયર્નમેન્ટલ સાયન્સના શિક્ષણનું સ્તર વિશ્વકક્ષાનું બનાવવા પ્રયત્નો કરતો રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer