હાઈવે ઉપર રેલવે દ્વારા વિકસાવાયેલી પાર્કિંગ વ્યવસ્થાના કડક અમલીકરણની તાકીદ કરાઈ

હાઈવે ઉપર રેલવે દ્વારા વિકસાવાયેલી પાર્કિંગ વ્યવસ્થાના કડક અમલીકરણની તાકીદ કરાઈ
ગાંધીધામ, તા. 28 : શહેરની ભાગોળે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગેરકાયદે રીતે થતું વાહનોનું પાર્કિંગ અને નેશનલ હાઈવે ઓથોરિટી સંલગ્ન પ્રશ્નો સંદર્ભે આજે પ્રાંત અધિકારી કચેરી મધ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  રેલવે દ્વારા વિકસાવાયેલા પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.પ્રાંત અધિકારી  ડો. વી.કે. જોશીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ મારફત ખાનગી એજેન્સીને પાર્કિંગ માટે  જગ્યા ફાળવવામાં આવી છે. હાઈવે અને સર્વિસ રોડ ઉપર થતાં ગેરકાયદે પાર્કિંગથી અન્ય વાહનચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે અને વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. એજન્સીના પ્રતિનિધિ દ્વારા પાર્કિંગમાં આપવામાં આવનારી સુવિધા  અને  પાર્કિંગ માટેના ભાવની માહિતી આપવામાં આવી હતી. રેલવે દ્વારા ગૂડઝ શેડની બાજુમાં 49,600 સ્કવેર  ફૂટ વિસ્તારમાં  પાર્કિંગ માટે સુવિધા વિકસાવવામાં આવી છે.પ્રાંત અધિકારી શ્રી જોશીએ એસોસીએશનના હોદ્દેદારો અને તમામ સભ્યોને આ બાબતે જાણકારી આપી ચુસ્ત અમલવારી કરવા કડક સૂચના આપી હતી. આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ  રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનચાલકો ઉપર આકરા કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી તાકીદ  પોલીસ પ્રશાસન દ્વારા બેઠકમાં કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા એજેન્સીને પણ વાહનોની સલામતી માટે સીસી ટીવી કેમેરા, એન્ટ્રી પાસ, વોશરૂમ સહિતની સુવિધાઓ પૂરી પાડવા  સૂચના આપવામાં આવી હતી.આ તબક્કે એસોસીએશનના પ્રતિનિધિઓ દ્વારા નવી વ્યવસ્થાના અમલીકરણમાં પૂરતા સહયોગની ખાતરી આપવામાં આવી હતી. પોલીસ  દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને એલ એન્ડ ટીના પ્રતિનિધિઓને પણ પાર્કિંગ અને પેટ્રોલિંગની પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી તેમજ નાગરિકોને પણ સ્વયંશિસ્ત દાખવી કાયદાનું પાલન કરી ટ્રાફિક સંચાલનમાં તંત્રને સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડીવાય.એસ.પી. ડી.એસ. વાઘેલા, ગાંધીધામ મામલતદાર, આર.ટી.ઓ.  ઈન્સપેક્ટર, જિલ્લા ટ્રાફિક પોલીસ, ટ્રક, ટ્રેઈલર અને કન્ટેનર એસોસીએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer