ગાંધીધામ સંકુલમાં કચરો સળગાવવાથી પ્રદૂષણ વધ્યું

ગાંધીધામ સંકુલમાં કચરો સળગાવવાથી પ્રદૂષણ વધ્યું
ગાંધીધામ, તા. 28 : આ સંકુલમાં અનેક જગ્યાએ કચરરાના ગંજ ખડકાયા છે. અમુક જગ્યાએ કન્ટેનર ઉભરાઈ રહ્યા છે. અમુક લોકો કન્ટેનરોમાં, કચરાના ઢગલામાં કે પોતાની ઓફિસ, ઘરની બહાર, શાળાની બહાર થતા કચરાનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ તેને સળગાવી નાખતા હોય છે. અમુક હોસ્પિટલોની આસપાસ પણ આવું કૃત્ય કરાતાં દર્દીઓ પરેશાન થતાં હોય છે. કચરો ભેગો કરી તે સળગાવવાનો પેંતરો ઘણા વિસ્તારમાં ખુદ સુધરાઈના સફાઈ કામદારો પણ અજમાવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીંની પાલિકાનું શિણાય ડમ્પીંગ યાર્ડ બંધ થયા બાદ તેને અંજાર તાલુકાના વાડા ગામની સીમમાં લઈ જવાયું હતું. આવામાં સંકુલમાંથી કચરો એકત્ર કરવાની સમસ્યા થઈ પડી છે. જેના કારણે અનેક જગ્યાએ કચરાના ગંજ ખડકાયા છે તો અમુક જગ્યાએ કન્ટેનરો ઉભરાઈ રહ્યા છે. આવા કન્ટેનરો પાલિકા ઉપાડતી ન હોવાને કારણે તેમાં રહેલા કચરામાં લોકો આગચંપી કરતા હોય છે તો કચરાના ઢગલામાં પર દીવાસળી ચાંપવામાં આવતી હોય છે. જેના કારણે આ ધુમાડાથી આસપાસના લોકો તથા અહીંથી પસાર થનારા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. હાલમાં પાનખર ઋતુ ચાલી રહી છે. જેથી વૃક્ષોના પાંદડા ખરી રહ્યાં છે. અમુક શાખાના કર્મીઓ આવા પાંદડા ભેગાં કરી તેને સળગાવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે. તો વળી અમુક લોકો પોતાના ઘર અને કચેરીમાં એકત્ર થતા કચરાનો નિકાલ કરવાની જગ્યાએ તેને સળગાવી નાખે છે.  સંકુલની અમુક હોસ્પિટલોની આસપાસની કચેરીના લોકો ત્યાં જ કચરો સળગાવતા હોવાથી હોસ્પિટલમાં રહેલા દર્દીઓ પરેશાન થતા હોય છે. શહેરના સેકટર-1એ વિસ્તારમાં આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલની આસપાસની ઓફિસોવાળા દરરોજ હોસ્પિટલ પાસે કચરો એકત્ર કરે છે અને પછી તેમાં આગ ચાંપી દે છે. જેના કારણે ધુમાડા હોસ્પિટલમાં જાય છે અને આ હોસ્પિટલમાં દાખલ બાળદર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. આ અંગે ડો. નવીન ઠક્કરે મુખ્ય અધિકારીને પત્ર પાઠવ્યો હતો. અહીં કચરો ન સળગાવવા કહેવા જતાં આ લોકો ધાકધમકી પણ કરતા હોવાનું જણાવાયું હતું. કચરો સળગાવતા લોકો વિરુદ્ધ પગલાં લેવા પત્રમાં માંગ કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer