કચ્છી અધિકારી સુરત ખાતે જીએસટી વિભાગના જોઇન્ટ કમિશનર નિમાયા

કચ્છી અધિકારી સુરત ખાતે જીએસટી વિભાગના જોઇન્ટ કમિશનર નિમાયા
ભુજ, તા. 28 : ભુજના અને હાલે વડોદરા ખાતે સ્થાયી થયેલા પ્રશાંત જેવતભાઇ પૂજારાને ગુજરાત સરકારે સ્ટેટ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ કમિશનર તરીકે બઢતી આપી સુરત ખાતે નિમણૂક કરી છે. શ્રી પૂજારા હાલે ડેપ્યૂટી કમિશનર તરીકે અમદાવાદ ખાતે ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ ટ્રિબ્યુનલમાં  સરકારના પ્રતિનિધિ તરીકે સરકાર તરફી રજૂઆતની કામગીરી સંભાળતા હતા. શ્રી પૂજારાએ ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરી વેચાણવેરા અધિકારી તરીકે વર્ષ 1993માં નિમણૂક મેળવી હતી. તેમણે વેચાણવેરા અધિકારી તરીકે ડીસા, અમદાવાદ ખાતે ફરજ બજાવેલી હતી. આસિસ્ટન્ટ કમિશનર (વર્ગ-1) તરીકે બઢતી મેળવી તેમણે વડોદરા, નડિયાદ અને અમદાવાદ ખાતે ફરજો બજાવેલી હતી. તેમને સોનગઢ ચેકપોસ્ટ તથા ફ્લાઇંગ સ્કવોડની કામગીરી પણ સોંપવામાં આવી હતી. ડેપ્યૂટી કમિશનર તરીકે બઢતી મળ્યા બાદ તેમણે સુરત ખાતે એપેલેટ ઓથોરિટી તરીકે તથા ભાવનગર ખાતે એન્ફોર્સમેન્ટ ડેપ્યૂટી કમિશનર તરીકે ફરજ બજાવેલી હતી. શ્રી પૂજારાની જોઇન્ટ કમિશનર તરીકે સુરત વિભાગ-8ના વડા તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. શ્રી પૂજારાએ પોતાની કારકિર્દીની શરૂઆત `કચ્છમિત્ર'માં જાહેર ખબર વિભાગમાં કરી હતી. પોતાના શૈક્ષણિક અભ્યાસની સાથે તેઓ કચ્છમિત્રમાં જોડાયેલા હતા અને તે દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીની પરીક્ષા ઉત્તીર્ણ કરી સફળતા મેળવેલી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer