શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે સમર્પિત રહી શાળાથી રાષ્ટ્રનો આદર જરૂરી

શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે સમર્પિત રહી શાળાથી રાષ્ટ્રનો આદર જરૂરી
વિથોણ (તા. નખત્રાણા), તા. 28 : અત્રેના ઉપાસના વિદ્યાલયે શાળાની સ્થાપનાનો 10મો ઉત્સવ ઉજવ્યો હતો. પદ્મશ્રી નારાયણ જોશીના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. 28 ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર નારાયણ જોશી (કારાયલ)ના અતિથિવિશેષપદે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 100 હાજર રહેલા વિદ્યાર્થીઓને શાળાએ પ્રતીક ભેટ આપી નવાજ્યા હતા. શાળાએ પાછલા ત્રણ વર્ષમાં એસ.એસ.સી. બોર્ડમાં 100 ટકા મેળવીને શિક્ષણ ક્ષેત્રે તાલુકામાં પ્રથમ આવ્યાનું બહુમાન મેળવ્યું છે તેવું જણાવ્યું હતું. પુરસ્કાર વિતરણ અને સન્માન સમારોહ પછી આમંત્રિતોએ પોતાના વિચારો વહેતા મૂકયા હતા. શ્રી જોશીએ કચ્છી ભાષામાં બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમર્પણ સમર્પિત રહેવા સાથે શાળા વાલીઓ, શિક્ષકો અને રાષ્ટ્રનો આદર કરવો જરૂરી છે તેવું કહ્યું હતું. ટ્રસ્ટી ધીરજભાઈએ જણાવ્યું કે શાળાની 10 વર્ષની સફરમાં 28 ગામના વાલીઓનો સહયોગ મળતો રહ્યો છે. ઉપસ્થિત મહેમાનોને શાળા પરિવારે પ્રતીક ભેટ આપીને બિરદાવ્યા હતા. જેમાં લહેરીભાઈ ગરવા, નમ્રતાબેન ગઢવી, હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રધાન આચાર્ય હિતેશભાઈ અને 28 જેટલા સ્ટાફની સેવાને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન આરતીબેન ગોરે કર્યું હતું. વ્યવસ્થા શાળા પરિવારે સંભાળી હતી. આભારવિધિ હિતેશભાઈ વાલાણીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer