હકારાત્મક અભિગમ કેળવી સારા ગુણ પરીક્ષામાં લાવવા ઉપાયો સૂચવાયા

હકારાત્મક અભિગમ કેળવી સારા ગુણ પરીક્ષામાં લાવવા ઉપાયો સૂચવાયા
ભુજ, તા. 28 : પાટીદાર કન્યા વિદ્યાલય-ભુજ ખાતે આગામી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારી ધોરણ 10-12ની વિદ્યાર્થિનીઓને `તાણમુક્ત પરીક્ષા' આપવા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. તજજ્ઞ જાગૃતિબેન વકીલે પરીક્ષાનો હાઉ અને ડર દૂર કરીને સ્વસ્થ મનથી પરીક્ષા આપીને ઉચ્ચ પરિણામ કઈ રીતે લાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ધોરણ 9થી 12ની તમામ વિદ્યાર્થિનીઓને હકારાત્મક અભિગમ કેળવીને સારા ગુણ કેવી રીતે લાવવા તે માટેના ઉપાયો શીખવ્યા હતા. ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓને બે માર્ગદર્શક પુસ્તકો પણ આપ્યા હતા. પારુલ યુનિવર્સિટી, વડોદરાથી મિહિરભાઈ ગણાત્રા દ્વારા ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ વિવિધ કોર્સીસમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. શાળા આચાર્યા નયનાબેન ચૌહાણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન ડો. કે.વી. પાટીદાર, વાઈસ ચેરમેન અમૃતભાઈ પટેલ, શિક્ષણ સમિતિના સભ્ય તથા શાળા પરિવાર સહયોગી રહ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer