મિત્રોએ પબજીની ઝાળમાં ફસાવી તરુણ પાસેથી ત્રણ લાખની રોકડ રકમ પડાવી

રાપર, તા. 28 (પ્રતિનિધિ દ્વારા) : પબજી જેવી કાતિલ મોબાઇલ રમતે બાળમાનસને કેવું ક્રિમિનલ બનાવી દીધું છે તેનો એકવરવો કિસ્સો કચ્છના પ્રવેશદ્વાર આડેસરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આમ પણ આડેસર આવા અવનવા કિસ્સાઓથી સમયાંતરે હોટ ફેવરિટ બનતું રહ્યું છે. આડેસરમાં રહેતા વાસણ અને કરિયાણાના વેપારીના બાર વર્ષના પુત્રને આજુબાજુના જ સમવયસ્ક છોકરાઓએ આ કિસ્સામાં `ટાર્ગેટ' બનાવ્યો હતો. તેને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપીને આ બાળક પાસેથી  છેલ્લા ત્રણેક મહિનામાં ત્રણ?લાખ જેવી માતબર રકમ આવા લબરમૂછિયાઓએ પડાવી લીધી છે.ઘરે જો કોઇને  કહીશ તો  જાનથી મારી નાખીશું એમ બિવડાવી તેને તેના પિતાના કબાટમાંથી રૂપિયા ચોરીને લઇ?આવવાનું કહેતાં આ બાળકે બીકમાં ને બીકમાં ત્રણ મહિનામાં તબક્કાવાર વીસ હજાર, પચાસ હજાર જેવી મોટી રકમો આ ગુનાહિત માનસ ધરાવતા છોકરાઓને આપ્યા હતા. ગણીને મૂકેલા રૂપિયા ઘરના જ કબાટમાંથી ગાયબ થઇ જતાં અને તપાસ કરતાં આખું પ્રકરણ બહાર આવ્યું હતું, તેવું સપાટીએ આવ્યું છે. નવા નવા અને મોંઘાદાટ મોબાઇલ ચૌદ-પંદર વર્ષના છોકરાઓ ક્યાંથી લાવતા હશે, એવું શું એમના વાલીઓને પૂછવાનું નહીં સૂઝ્યું હોય ? ભોગ બનનારના ઘરનાનો  સંપર્ક કરતાં આડેસર પોલીસ  મથકમાં જાણ કરી અને લેખિત ફરિયાદ આપી હોવાનું તેમણે કહ્યું હતું. જે હોય તે પણ મોબાઇલ બાળમાનસને બગાડી જરૂર રહ્યો છે. જાગૃત માવતરે ચેતવા જેવું ખરું ! તેવો મત બનાવના પગલે વ્યકત કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer