કંડલામાં પાણીમાં ડૂબી જવાથી યુવતીએ અને મીઠાના કારખાનામાં યુવાન કામદારે જીવ ખોયો

ગાંધીધામ, તા. 28 : કંડલામાં કુદરતી હાજતે ગયેલી સુમિત્રા ઘનશ્યામ રીઆરા (ઉ.વ. 23) નામની યુવતી પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું, તો અહીં જ મીઠાના કારખાનામાં કામ કરતા રાજુ લુસિયા મુદુ (ઉ.વ. 37) નામના યુવાનનું મોત થયું હતું તેમજ ભુજના ધાણેટીમાં ઝેરી દવા પી લેનારા પોપટ  રવા કોળી (ઉ.વ. 50)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. કંડલાના સર્વા ઝૂંપડા વિસ્તારમાં રહેનારી સુમિત્રા નામની યુવતીનું આજે સવારે મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવતી આજે સવારે પોતાના ઘરેથી થોડે દૂર કુદરતી હાજતે ગઇ હતી. જ્યાં અકસ્માતે તેનો પગ લપસી જતાં તે દરિયાની નહેરના પાણીમાં પડી ગઇ હતી. પાણી ભરેલા ખાડામાં પડી ગયા બાદ તે ડૂબી જતાં તેનું મોત થયું હતું. બીજીબાજુ કંડલામાં આવેલા આહીર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં અપમૃત્યુનો બીજો બનાવ બન્યો હતો. અહીં મજૂરી કરનારો રાજુ નામનો યુવાન આજે સવારે 8 વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો. દરમ્યાન પડી જતાં તેનું કોઇ કારણે મોત થયું હતું. આ યુવાનનાં મોતનું કારણ હજુ બહાર આવ્યું નથી. વધુ એક અપમૃત્યુનો બનાવ ભુજના ધાણેટીમાં બન્યો હતો. અહીં ભગુભાઇ આહીરની વાડીએ રહેનારા પોપટ કોળી નામના આધેડએ ગત તા. 22/2ના કોઇ  અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.  તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન ગઇકાલે રાત્રે આ આધેડે છેલ્લા શ્વાસ લીધા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer