મેઘપર (બો.)માં બંધ ઘરમાંથી પોણા લાખની તસ્કરી

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી તુલસીધામ સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂા. 79,400ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.મેઘપર બોરીચીની તુલસીધામ સોસાયટીના મકાન નંબર 99,100માં રહેતા અને છુટક ફળ, ફ્રૂટનો વ્યવસાય કરતા પદમસિંહ પાડજી ચૌહાણએ ચોરીના આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાન અને તેમનો પરિવાર ગત તા. 22/2ના પોતાના વતન બનાસકાંઠાના ધનાડીમાં સામાજિક કાર્ય માટે ગયા હતા. દરમ્યાન ગત તા. 26/2ના સવારના ભાગે પાડોશી એવા હનુબેન ભાનુશાળીએ આ ફરિયાદીના પત્ની દયાબાને ફોન કર્યો હતો અને તમારો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. આ પરિવાર ગત તા. 27/2ના બપોરે પરત ઘરે આવીને જોતાં ઘરમાં સરસામાન વેરવિખેર પડયો હતો અને તેમના ઘરમાં ચોરી થવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનનાં તાળાં તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રહેલા કબાટનાં તાળાં તોડી તેની તિજોરીમાંથી સોનાની ચાર બંગડી, સોનાની કાનની એક જોડ સર, સોનાની બુટ્ટી નંગ-1, સોનાનું એક ઓમ, સોનાની નાકની ચુક નંગ-4, ચાંદીના પગના સાંકળા જોડી 1, ચાંદીની હાથની પોંચી નંગ-1, ચાંદીનું કડું નંગ-1 તથા રોકડ રૂા. 21,000 એમ કુલ રૂા. 79,400ની મતાની તકડંચી કરી નિશાચરો નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને ગાંધીધામ, આદિપુર સંકુલ તથા અંજાર, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડીની સોસાયટીઓમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સામે શોધનની કામગીરી જોઈએ તેટલી ન થતી  હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાઉપરી ચોરી, ચીલઝડપ, વાહન ચોરીના બનાવોને અંજામ આપીને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer