`લીલીછમ'' પીચ પર ભારતની કસોટી

ક્રાઇસ્ટચર્ચ, તા. 28 : ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપે અહીંના હેગલી ઓવલ સ્ટેડિયમ પર શનિવારથી શરૂ થઇ રહેલી બીજી અને આખરી ટેસ્ટ મેચમાં ફરી એકવાર કિવી પેસ બેટરી સામેની આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરો તેમના મારક અત્ર શોર્ટ પિચ બોલનો છૂટથી ઉપયોગ કરવા આતુર છે. મેચ શનિવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થશે. ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાઇ રહેલી આ બે ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં ભારતનો 10 વિકેટે કારમો પરાજય થયો હતો. આથી કોહલીની ટીમ માટે બીજી મેચમાં કરો યા મરો સમાન સ્થિતિ રહેશે. બીજી ટેસ્ટ જીતી શ્રેણી ડ્રો કરવા ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરીને વાપસી કરવી પડશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમનું લક્ષ્ય ટીમ ઇન્ડિયાનો 2-0થી સફાયો કરવાનો રહેશે.  બીજી મેચની પૂર્વ સંધ્યા પર કોચ રવિ શાત્રીએ સ્વીકાર્યું છે કે પહેલી ટેસ્ટની હાર વખતે ભારતીય બેટધરોની ટેકનિકમાં ખામી જોવા મળી હતી. આ ભૂલથી બધાનું મગજ ખૂલી ગયું છે. જ્યારે તમે ખુલ્લા રસ્તા પર ચાલ્યા જતા હો અને હારનો સ્વાદ ચાખ્યો ન હોય ત્યારે તમારું મગજ ઠંડું પડી જાય છે. શનિવારથી શરૂ થતી બીજી ટેસ્ટમાં ભારતના વિશ્વસ્તરીય બેટધરો સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અંજિકય રહાણે, મયંક અગ્રવાલ અને યુવા પૃથ્વી શોએ ન્યૂઝીલેન્ડની ઝડપી બોલિંગ સામે આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે.પૃથ્વી શો ફિટ છે અને તેણે નેટ પ્રેક્ટિસ કરી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ઇલેવનમાં અશ્વિનનાં સ્થાને જાડેજા અને અનફિટ ઇશાંતના સ્થાને ઉમેશને તક મળી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ઇલેવનમાં ઝડપી બોલર વેગનારની વાપસી નિશ્ચિત છે. આથી લગલભ એકમાત્ર સ્પિનર એઝાઝ  પટેલ સ્થાન   ગુમાવી શકે છે. હેગલી ઓવેલની પિચ પર ઘણું ઘાસ છે. તેમાં પર્યાપ્ત ઉછાળ છે. ન્યૂઝીલેન્ડ આવી પિચ જ ઇચ્છે છે. ભારત માટે ચિંતાનો વિષય શમી અને બુમરાહનું નબળું ફોર્મ છે. તેઓ કિવીઝના પૂંછડિયા બેટધરોને જલ્દીથી આઉટ કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer