બેટિંગની ખામીઓ દૂર કરવાનું મહિલા ટીમનું લક્ષ્ય

મેલબોર્ન, તા. 28 : સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લેનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી ટી-20 વિશ્વ કપમાં શનિવારે શ્રીલંકા વિરુદ્ધની તેની આખરી લીગ મેચમાં બેટિંગની નબળાઇ દૂર કરવા પર ફોકસ કરશે. ભારતીય મહિલા ટીમ શાનદાર ફોર્મમાં છે. તે વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા, બાંગલાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમને હાર આપી ચૂકી છે અને સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. બીજી તરફ શ્રીલંકાની મહિલા ટીમ બે હારથી સેમિની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ગ્રુપ એની આ મેચ શનિવારે ભારતીય સમય અનુસાર સવારે 9-30 વાગ્યાથી શરૂ થશે. જીતની હેટ્રિકથી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. આમ છતાં ભારતની ટીમ માટે કેટલાક ક્ષેત્ર ચિંતાના વિષય છે. આગળના મોટા મુકાબલા પહેલાં તેમાં સુધારાની જરૂર છે. ટીમ પહેલી ત્રણેય મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે 132, બાંગલાદેશ સામે 142 અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 133 રન જ કરી શકી હતી. ત્રણેય મેચમાં બોલરોએ સારું પ્રદર્શન કરીને જીત અપાવી હતી. બેટિંગમાં અત્યાર સુધીમાં 16 વર્ષીય શેફાલી વર્મા પર ટીમ નિર્ભર જોવા મળી છે. મિડલઓર્ડરની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે. સુકાની હરમનપ્રીત અને અનુભવી વેદા કૃષ્ણમૂર્તિએ જવાબદારી લેવી પડશે. સ્ટાર સ્મૃતિ મંધાનાએ પણ મોટી ઇનિંગ રમવી પડશે. ભારતની બોલિંગ અત્યાર સુધી પ્રભાવશાળી રહી છે. સ્પિનર પૂનમ યાદવ 8 વિકેટ લઇ ચૂકી છે. તેને દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ અને ઝડપી બોલર શિખા પાંડેનો સારો સહયોગ મળી રહ્યો છે. બીજી તરફ સેમિફાઇનલમાંથી બહાર થઇ જનારી શ્રીલંકાની મહિલા ટીમ પાડોશી દેશ ભારત સામે સન્માનજનક જીતના લક્ષ્ય સાથે મેદાને પડશે. શ્રીલંકાની સુકાની ચમારી અટાપટુ સ્ટાર બેટસમેન છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer