કંડલા સેઝનો સ્થાપના દિન 7 માર્ચે ઊજવાશે

ગાંધીધામ, તા. 28 : એશિયાના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સ્થાપના દિનની આગામી 7 માર્ચના ઉજવણી કરાશે. આ વેળાએ કાસેઝના એકમોને એક્સપોર્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. કાસેઝ ડેવલોપમેન્ટ કમિશનર કચેરી અને કાસેઝ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા  શનિવારે 7 માર્ચના સવારે 11.30 વાગ્યે હોટેલ રેડિશન ખાતે સ્થાપના દિન અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે દીનદયાલ પોર્ટના ચેરમેન એસ. કે. મેહતા ઉપસ્થિત રહેશે, જ્યારે અતિથિવિશેષ તરીકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કંડલા અને મુંદરા કસ્ટમના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ કમિશનર મનોજકુમાર શ્રીવાસ્તવ, જીએસટી કમિશનર પ્રમોદ વસાવે વિગરે ઉપસ્થિત રહેશે. આ પૂર્વે કાસેઝ પરિસર ખાતે આવેલી લાલબહાદુર શાત્રીજીની પ્રતિમાને  કાસેઝના ડેવલોપમેન્ટ કમિશનર અમૈયા ચંદ્રાના હસ્તે હારારોપણ કરાશે. સમગ્ર આયોજનને પાર પાડવા  પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો વિગેરે સહયોગી બની રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer