કચ્છની વધુ પાંચ મોડેલ શાળામાં સાયન્સનો અભ્યાસક્રમ શરૂ થશે

ભુજ, તા. 28 :?આગામી નવા સત્રથી કચ્છની વધુ પાંચ મોડેલ શાળામાં ધો. 11 અને 12માં સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરવાના સરકાર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેમાં નલિયા, રાપર, અંજાર, બાલાસર અને સામખિયાળીનો સમાવેશ થાય છે.જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ રાજ્યમાં કુલ 84 મોડેલ શાળા આવેલી છે. જેમાં હાલ 9માં સાયન્સનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. બાકી રહેતી 75 શાળામાં પણ આગામી એપ્રિલ માસ નવા સત્રથી આ અભ્યાસક્રમ ચાલુ કરવા સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઈ છે જેમાં કચ્છની પણ પાંચ મોડેલ શાળાનો સમાવેશ કરાયો છે. હાલ કચ્છની ભચાઉ અને માધાપર મોડેલ શાળામાં સાયન્સનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જેમાં વધુ પાંચ શાળાનો સમાવેશ થતાં જિલ્લાના તાલુકા કક્ષાએ ગરીબ વિદ્યાર્થીઓને સાયન્સનો નિ:શુલ્ક અભ્યાસ કરવાની તક મળશે. આ અભ્યાસક્રમ માટે જે-તે શાળામાં મકાનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમ આ અભ્યાસક્રમ માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તો ગાંધીધામની ગણેશનગરની સરકારી શાળામાં સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે.આ ઉપરાંત સરકાર દ્વારા કચ્છમાં ધો. 9ની દસ શાળાની મંજૂરી આપી દેવામાં આવી છે. જે પણ 20મી એપ્રિલથી શરૂ થઈ જશે તેમ આર.એમ.એસ.એ. (રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન)  હેઠળ 26 નવી શાળા પણ શરૂ થાય તેવી પૂરી શક્યતા પણ શ્રી પ્રજાપતિએ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 20મી એપ્રિલથી શરૂ થનારા નવા અભ્યાસક્રમ માટે દરેક શાળાઓને પૂરતા પાઠયપુસ્તકો પણ પહોંચાડી દેવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer