વીજ પોલ પરથી કેબલ વાયર દૂર કરવા જાહેરનામામાં ફેરવિચારણા કરો

ભુજ, તા. 28 : કેબલ વાયર પી.જી.વી.સી.એલ.ના થાંભલા પરથી દૂર કરવા જાહેરનામું હાલપૂરતું મુલતવી રાખી ફેરવિચારણા કરવા કચ્છ ગુજરાત કેબલ ઓપરેટર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં જણાવાયા મુજબ પી.જી.વી.સી.એલ.-ભુજ દ્વારા અખબારી નોટિસ દ્વારા જણાવાયું છે કે તમામ કેબલ, નેટ, ચેનલના વાયર થાંભલા પર લાગેલા હોય તે તુરંત હટાવી લેવા, નહીંતર પોલીસને સાથે રાખી વાયર કાપી નખાશે. આ બાબતે ઓપરેટરોએ જણાવ્યું કે,આ કામગીરીમાં તેઓ પૂરતો સહકાર આપવા તૈયાર છે. આમ તો નગરપાલિકા, પી.જી.વી.સી.એલ. સાથે કેબલ ઓપરેટર વર્ષોથી એકબીજાને સાથ-સહકાર આપતા રહ્યા છે. જેમ વીજળીની જરૂરિયાત માટે પી.જી.વી.સી.એલ. રસ્તા પર કે નગરપાલિકા કે અન્ય ખાનગી જમીન પર થાંભલા લગાડી વીજ જરૂરિયાત પૂરી પાડે છે એમ કેબલ ઓપરેટરો અગાસી, રસ્તા કે હવામાં વાયર લગાડીને લોકોનું કેબલ દ્વારા મનોરંજન પૂરું પાડે છે. 90 ટકા વાયર ફાઇબર ઓપ્ટિક્સ છે. ઓપરેટર વીજ થાંભલા પર વાયર બાંધવાનું શક્ય એટલું ટાળે છે. કેમ કે કેબલ સર્વિસમાં કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ જવાબદારી તેમના શિરે રહેલી છે. જેથી સૌનો સાથ સૌનો વિકાસનો નિર્ણય લઇ ઉપરોક્ત મુશ્કેલીઓને ધ્યાને લઈ યોગ્ય માર્ગ કાઢી યોગ્ય નિર્ણય લેવા તેમજ આ બાબતે સૌની બેઠક યોજી વાટાઘાટથી સમાધાન આવે તેવું આયોજન કરવા માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer