ભુજ શહેર તાલુકા મામલતદારનો હવાલો એક જ અધિકારીના શિરે

ભુજ, તા. 28 : ગુજરાત સરકારે વહીવટી સરળતા ખાતર શહેર અને તાલુકા મામલતદાર કચેરીનું વિભાજન કરી અ-વર્ગમાં આવતી નગરપાલિકાઓમાં અલાયદી સિટી મામલતદાર કચેરી કાર્યરત કરી હતી. જો કે આ વિભાજન બાદ પણ જોઈએ તેટલી વહીવટી સરળતા જોવા મળી નથી. અધૂરામાં પૂરું ગ્રામ્ય મામલતદારનો પ્રોબેશન પીરિયડ પૂરો થતાં તેમની બદલી કરી દેવાઈ છે. જેના કારણે શહેર મામલતદાર પાસે જ ગ્રામ્ય મામલતદારનો વધારાનો હવાલો આવતાં હાલ તો આ બંને કચેરીના વહીવટને લઈ બાવાના બેય બગડયાનો ઘાટ સર્જાયો છે. કામગીરીને સરળ બનાવવા માટે કરાયેલું વિભાજન આજની સ્થિતિએ તો કારગત નીવડયું નથી. ગ્રામ્ય અને સિટી મામલતદાર ઓફિસ અલગ-અલગ બિલ્ડિંગમાં કાર્યરત હોવા સાથે બંનેનું કાર્યક્ષેત્ર પણ સાવ અલગ જ હોતાં આ તમામ બાબતોને લઈ સિટી-ગ્રામ્ય મામલતદારની અલાયદી નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે ભુજમાં ગ્રામ્ય મામલતદારનો પ્રોબેશન પીરિયડ પૂરો થયા બાદ હાલ તેમને ભચાઉ-રાપર પ્રાંત અધિકારી તરીકે પ્રોબેશન પર મુકાયા છે. તેવામાં શહેર મામલતદારને બે માસ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં ગ્રામ્ય અને સિટી એમ બંને મામલતદારની ફરજ બજાવવાની નોબત આવી રહી છે. આ કારણે અરજદારોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. સંબંધિત અધિકારી બે કચેરીમાં પૂરતું ધ્યાન આપી શકે તેવી સ્થિતિ દેખાતી જ નથી. ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને તો વારંવાર બંને કચેરીઓના આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આમ તો નવી મામલતદાર કચેરી બનાવાઈ ત્યારે સિટી અને ગ્રામ્ય એમ બંને વિભાગ એક જ કચેરીમાં કાર્યરત રહે તેવું ગોઠવાયેલું આયોજન પણ ફળીભૂત થઈ શક્યું નથી. કમ સે કમ શહેર અને તાલુકા મામલતદાર કચેરી એક જ સ્થળે કાર્યરત રહે તો પણ અરજદારોને ઘણી રાહત રહે તેમ હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer