ગાંજાના કેસમાં સુરતથી પકડાયેલા આરોપીના આજે રિમાન્ડ પોલીસ માગશે

ભુજ, તા. 28 : શહેરમાં ગીતા માર્કેટ વિસ્તારમાં રહેણાંકના મકાનમાંથી સાડા અગિયાર કિલો ગાંજો અને લાખોની રોકડ ઝડપાવાના મામલામાં સુરતથી દબોચી લવાયેલા મહત્ત્વના આરોપી અકબર ઉર્ફે મસ્તાન ફકીર દિવાનની આજે વિધિવત ધરપકડ બતાવાઇ હતી. તો જથ્થા સાથે પકડાયેલા અભાડો અબ્દુલ્લમામદ સુમરાના વધુ એક દિવસના રિમાન્ડ મેળવાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સુરત જઇને ભારે જહેમત બાદ અકબર ઉર્ફે મસ્તાન દિવાનને દબોચ્યો હતો. ગઇકાલે આ ઇસમને ભુજ લવાયા બાદ આજે તેની સત્તાવાર રીતે ધરપકડ બતાવાઇ હતી. આ ઇસમને આવતીકાલે રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મહત્ત્વના આરોપી અકબર પાસેથી કેફીદ્રવ્ય ગાંજાના નેટવર્ક બાબતે મહત્ત્વની વિગતો મળવાની સંભાવના છે. તો તેના આ નેટવર્કમાં સામેલ અન્ય માથાંઓ વિશેની કડીઓ પણ પાધરી થવાની સંભાવના છે. દરમ્યાન દરોડા સમયે ગાંજા અને રોકડ સાથે પકડાયેલા પિતા-પુત્ર પૈકી અભાડા અબ્દુલ્લમામદ સુમરાના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને પુન: કોર્ટ સમક્ષ રજૂ કરીને તેના વધુ એક દિનના રિમાન્ડ મેળવ્યા હતા. આ બન્નેની સંયુકત અને ક્રોસ પૂછતાછમાં ઘણીબધી વિગતો બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer