ભીમાસાર પંચાયત ચૂંટણી રદ કરવાની પિટિશન પાછી ખેંચાઇ

ભીમાસર, (તા. અંજાર), તા. 28 : માર્ચ 2017માં યોજાયેલી ભીમાસર જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પરાજિત ઉમેદવારે ચૂંટણી રદ કરવા કોર્ટમાં કરેલી પિટિશન પાછી ખેંચી લેતાં કેસનો નિકાલ થયો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.ભીમાસર ગ્રામ પંચાયતની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણી રદ કરવા માટે અરજદારે કોર્ટમાં  કરેલી પિટિશન બિનશરતી પાછી ખેંચતાં કેસનો નિકાલ થયો છે. ઇલેકશન પિટિશનમાં સરપંચ અને વિજેતા તમામ સભ્યો સહિત અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર, જિલ્લા પંચાયત વિપક્ષીનેતા વી.કે. હુંબલ, આહીર સમાજ અગ્રણી બાબુભાઇ હુંબલ અને ભાજપ તેમજ કોંગ્રેસના અન્ય 4 હોદ્દેદારો સામે આક્ષેપો લગાવીને ચૂંટણી રદ કરવા માટે ઇલેકશન પિટિશન દાખલ કરવામાં આવી હતી. અંજાર કોર્ટમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની લોકઅદાલતમાં તા. 08-02-2020ના કેસ બિનશરતી પાછો ખેંચાવામાં આવેલો છે. તેથી 3 વર્ષ બાદ સ્પષ્ટ જણાય છે કે, કોઇકના હાથા બનીને રાજકીય વ્યકિતઓ સામે અને પંચાયતની વિજેતા બોડી સામે ખોટા ઉપજાવી કાઢેલા આક્ષેપો કરીને ચૂંટણી રદ કરાવવા માટે પિટિશન કરવામાં આવી હતી જે પરાજિત ઉમેદવાર દ્વારા બિનશરતી રીતે પાછી ખેંચવામાં આવી છે તેવું સરપંચ દિનેશભાઇ ડુંગરિયાની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer