કબ્જા ગિરવેથી મુકાયેલી ખેતીની જમીનને ગમે તેટલા વર્ષે પણ વારસદારો મુક્ત કરાવી શકે

ભુજ, તા. 28 : વડીલોએ ખેતીની જમીન કબ્જા સાથે ગિરવે મૂકી હોય તેવા કેસમાં વારસદારો ગમે તેટલા વર્ષે તેને ગિરવેથી મુક્ત કરાવી શકે તેવો મહત્ત્વનો ચુકાદો તાજેતરમાં વરંડી મોટી ગામની જમીનના કેસમાં અપાયો હતો. તો બીજીબાજુ ન નોંધાયેલો હોય તેવા સાટાકરારનું પણ પાલન કરાવી શકાય તેવો ચુકાદો વાડાપદ્ધર ગામની જમીનના કેસને લઇને અદાલત દ્વારા અપાયો હતો. નલિયા સ્થિત દિવાની અદાલત દ્વારા ચતુરાસિંહ બાલુભા જાડેજાના વડીલ જેઠુભા સાંગાજી જાડેજા દ્વારા વેલજી નેણશી શાહ પાસે ગિરવે મૂકેલી ખેતીની જમીનના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. આ પ્રકરણમાં વેલજી નરશીના અવસાન બાદ વરંડી મોટી ગામે સર્વે નંબર 83, 84, 85 અને 86 ખાતે આવેલી આ જમીન તેમના વારસદારોને પ્રાપ્ત થઇ હતી અને આ પછી આ જમીન અન્યોના નામે પણ તબદીલ થઇ હતી. આ પ્રકરણમાં ચતુરાસિંહ જાડેજા દ્વારા વેલજી શાહના વારસદારો અને છેલ્લે જમીનનો કબ્જો ધરાવનારને પ્રતિવાદી બનાવીને ગિરવે મુક્તિ માટેનો દાવો દાખલ કર્યો હતો. સુનાવણી દરમ્યાન બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવા તપાસી નલિયાના સિવિલ જજે વન્સ મોર્ગેજ ઓલવેઝ મોર્ગેજના સિદ્ધાંતને સ્વીકારીને જમીન મુક્ત થઇ શકે તેવો ચુકાદો ચતુરાસિંહ તરફે આપ્યો હતો. 57 વર્ષ બાદ દાખલ થયેલા દાવામાં આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં શ્રી જાડેજાના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એસ.ટી. પટેલ અને એન.જે. જાની રહયા હતા. જ્યારે ભુજ સ્થિત અધિક સેશન્સ અદાલતે અબડાસાના વાડાપદ્ધર ગામની સીમમાં સર્વે નંબર 265 ખાતે આવેલી જમીનને સંલગ્ન કેસમાં આપેલા ચુકાદામાં એવી ટિપ્પણી કરી હતી કે સાટાકરાર ન નોંધાયેલો હોય તો પણ તેનું પાલન કરાવી શકાય. નવી શરતની આ જમીનનું વેંચાણ કરનાર અને શરત તબદિલ થયા બાદ સાટાકરારનું પાલન કરવાની બાંહેધરી આપનારા મુળજી પેરાજના વારસદારોએ વેંચાણ કરારનું પાલન ન કરતા જમીન ખરીદનાર મદનાસિંહ રાણુભા જાડેજાએ સાટાકરાર પાલનનો આ દાવો કર્યો હતો. જેને નલિયાની સિવિલ અદાલતે નામંજૂર કર્યો હતો. આ હુકમ સામે જિલ્લા અદાલત સમક્ષ અપીલ કરાતાં શ્રી જાડેજા તરફે ચુકાદો અપાયો હતો. આ કેસમાં અરજદારના વકીલ તરીકે ભુજના સંજીવકુમાર ટી. પટેલ અને હિરલ એસ. પટેલ રહયા હતા. ઝરપરા મારામારીમાં છૂટકારો મુંદરા તાલુકાના ઝરપરા ગામે 10 વર્ષ પહેલા બનેલા મારામારીના કિસ્સામાં થારૂ કરશન શેડા, કરશન જખા મીંઢાણી અને ખેંગાર રામ મીંઢાણીને નિર્દોષ મૂકત કરતો ચૂકાદો અપાયો હતો. ઝરપરા ખાતે ચારણ સમાજવાડીની કચેરીના તાળા તોડી ફરિયાદી પાલુ લધા સાંખરાને માર મરાયો હોવાનો આ કેસ વર્ષ 2010માં નોંધાયો હતો. મુંદરાની અદાલતે તેની સમક્ષ થયેલી આ સુનાવણી બાદ ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહયાનું તારણ આપીને આરોપીઓને છોડી મૂકતો આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે પી.એચ.ગઢવી અને એમ.ઓ. ખત્રી રહયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer