આડેસરના પોલીસ લોકઅપમાં સેલ્ફી લેનારા સામે અંતે ફોજદારી દાખલ

ગાંધીધામ, તા. 28 : રાપર તાલુકાના આડેસર પોલીસ મથકમાં લોકઅપમાં રહેલ તહોમતદાર સાથે સેલ્ફી લેવાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.આડેસર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ માખેલના શૈલેશ પરસોત્તમ મઢવી, ભરત ગંગારામ પંડયા અને સણવાના તહોમતદાર એવા નરોત્તમ ઉર્ફે બબો ભૂરા મઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એટ્રોસીટીના ગુનાના બનાવમાં પોલીસે નરોત્તમ મઢવીની અટક કરી તેને લોકઅપમાં રાખ્યો હતો. ત્યારે ગત તા. 26/2ના સાંજના ભાગે તેના સમાજના અને અન્ય સમાજના લોકો તેને મળવા આવ્યા હતા. આ લોકોએ લોકઅપમાં રહેલા નરોત્તમને મળવાની વાત આ ફરિયાદી એવા પોલીસ સ્ટેશન અધિકારીને કરી હતી.આ ફરિયાદીએ માનવતાની દૃષ્ટિએ તેના સમાજના બે-ત્રણ માણસોને ત્યાં લઈ જઈ નરોત્તમને મળવા દીધા હતા અને પોતે ત્યાં જ હાજર હતા. તેવામાં પોલીસ મથકના લેન્ડલાઈન ઉપર ફોન આવતા આ ફરિયાદી ફોન ઉપાડવા ગયા હતા અને બાદમાં તેઓ પોતાના કામમાં રોકાયેલા હતા. આ ફરિયાદી લોકઅપથી હટયા પછી શૈલેશ અને ભરતે નરોત્તમ સાથે સેલ્ફી લીધી હતી. આ શખ્સોએ પોલીસ મથકમાં પ્રતિબંધક વિસ્તારમાં પરવાનગી વગર લોકઅપમાં રહેલા આરોપી સાથે સેલ્ફી લઈ પોલીસ મથકમાં ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પાડવાનો પ્રયાસ કરી આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ત્રણેય વિરુદ્ધ કલમ 114, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000ની કલમ 72 તથા 84 (સી) હેઠળ ગુનો નોંધાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer