માંડવીમાં ધરમશીભાઈ શાહ માર્ગનું લોકાર્પણ

ભાવનગર, તા. 28 : માંડવીના 440મા સ્થાપનાદિને કલાગુરુ સ્વ. ધરમશીભાઈ મૂળજીભાઈ શાહના નામના માર્ગનું લોકાર્પણ કરાયું હતું.ભાવનગર કચ્છ સમાજના પ્રયત્નોથી માંડવીના ઓગન માર્ગને આત્મીય ધરમશીભાઈ મૂળજીભાઈ શાહ માર્ગ નામ આપવા નગરપાલિકા દ્વારા માંડવીના સ્થાપના દિવસે કાર્નિવલ કાર્યક્રમમાં લોકાર્પણ કરવાનું આયોજન કરાયું હતું. આ અવસરે ઝવેરબેન, સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ભારતીબેન શાહ તથા કલાક્ષેત્રના જિગરભાઈ ભટ્ટ તથા કિરીટસિંહ ગોહિલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રમુખ સ્થાને માંડવી નગરજનોની વિશાળ મેદની સમક્ષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગર કચ્છ સમાજના પ્રમુખ તથા અન્ય મહેમાનો મંચસ્થ રહ્યા હતા. પ્રમુખ મહેન્દ્રભાઈ શાહનું નામકરણનો સુઝાવ આપવા બદલ નગરપતિ મેહુલભાઈ શાહના હસ્તે બહુમાન કરાયું હતું. તેમજ ઝવેરબેનને પણ સન્માનિત કરાયા હતા. આ તકે શ્રી શાહ દ્વારા માંડવી શહેરના વિકાસનાં કામો માટે રૂા. 51,000ની જાહેરાત કરાઈ હતી. જે બદલ શ્રી ચાવડા તથા મેહુલભાઈ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર કચ્છ સમાજની સ્થાપના 1986માં થઈ ત્યારથી સમાજ દ્વારા વિવિધ પ્રકારનાં કામો અંગે માતૃભૂમિ તથા કર્મભૂમિની સમાનતા જળવાય તે રીતે કામગીરી કરાઈ રહી છે, ત્યારે ભાવનગરને કર્મભૂમિ બનાવનારા ધરમશીભાઈના માર્ગના નામકરણથી ભાવનગરના સમાજે સમગ્ર રાજ્યમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે.પ્રમુખમહેન્દ્રભાઈ દ્વારા નામકરણની કામગીરીમાં મદદરૂપ થનારા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદભાઈ, નગરપતિ મેહુલભાઈ તથા અન્ય પદાધિકારીઓનો આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer