કચ્છ યુનિ.ની પરીક્ષા શુદ્ધિ સમિતિએ 78 છાત્રને શિક્ષાપાત્ર ઠેરવ્યા

ભુજ, તા. 28 : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગત ઓકટોબરથી ડિસેમ્બર માસમાં લેવાયેલી પરીક્ષા દરમિયાન 82 પરીક્ષાર્થીને ગેરરીતિ આચરતાં પકડી પડાયા હતા. ત્યારે કોપી કરતા પકડાયેલા આ 82 પૈકી 1 છાત્રને બે વર્ષ માટે શિક્ષણકાર્યમાંથી બાકાત કરવા સાથે અન્ય છાત્રોને સાંભળી શિક્ષાપાત્ર ઠેરવી  એક્ઝિકયુટિવ કાઉન્સિલને તેની અમલવારી માટેની ભલામણ કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી યુનિ.ની પરીક્ષા શુદ્ધિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા હતા. યુનિ.ના પરીક્ષા નિયામકે આ બાબતે સત્તાવાર રીતે બહાર પાડેલા જાહેરનામામાં 1 છાત્રની ગેરરીતિની ગંભીરતાને જોતાં બે વર્ષ માટે શિક્ષણકાર્યમાંથી બાકાત કરી તમામ સેમેસ્ટરના પરિણામ રદ કરી દેવામાં આવ્યા છે. બે  વર્ષ બાદ હાલના સેમેસ્ટરની પરીક્ષા આપીને જ આ છાત્ર આગળના સેમેસ્ટરમાં પ્રવેશ મેળવી શકશે. તદુપરાંત 4 પરીક્ષાર્થીના જે તે સેમેસ્ટરના બધા વિષયના પરિણામ રદ કરી આગળના સેમેસ્ટરમાં પ્રવેશ વર્જીત કરાયો છે.  શુદ્ધિ સમિતિએ જારી કરેલા આદેશ અંતર્ગત સૌથી વધુ 73 છાત્રનું માત્ર તેઓ જેમાં અભ્યાસ કરતા હતા તે સેમેસ્ટરના તમામ વિષયોનું પરિણામ રદ કરી તેમને આગળના સેમેસ્ટરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવી છે. 82 પૈકી 2 છાત્રને નિર્દોષ ઠેરવવા સાથે બે છાત્રોના પરિણામ અનામત રાખવામાં આવ્યાં છે. ગેરરીતિ આચરતા ઝડપાયેલા 82 છાત્ર પૈકી સૌથી વધુ માંડવીની શેઠ સુરજી વલ્લભદાસજી કોલેજ અને ભુજની લાલન કોલેજના હોવાનું પણ સામે આવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer