કચ્છના ડિસેલિનેશન પ્લાન્ટ માટે કરાર

કચ્છના ડિસેલિનેશન પ્લાન્ટ માટે કરાર
અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દરિયાકિનારે, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4 સી-વોટર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) સાથે સમજૂતી કરાર કર્યા છે. જેમાં કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ પાસે 10 કરોડ લિટરના ડિસેલિનેશન પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.ગુજરાતના સરકારના પાણી પુરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને મુંબઇની શાપૂરજી પેલોનજી એન્ડ કું તથા એક્વાટેક સિસ્ટમ એશિયા પ્રાઈવેટ લિમિટેડની સંયુક્ત સાહસ એસપીવી વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં આ કરાર સંપન્ન થયા છે. સરકારે રાજ્યવ્યાપી વોટર ગ્રીડ તથા નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે 1600 કિમી વિશાળ દરિયાકાંઠે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી જળ સલામતી પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે તેની પુષ્ટિરૂપે આ કરાર કરવામાં આવ્યા છે.   જે સ્થળોએ ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવનાર છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ નજીક રોજના 7 કરોડ લિટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક 7 કરોડ લિટર તેમજ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ઝાલા ગામ પાસે 3 કરોડ લિટર દૈનિક સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવતા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.આ ચારેય પ્લાન્ટની સ્થાપનાના પ્રોજેક્ટની જરૂરી પર્યાવરણીય અને અન્ય પરવાનગીઓ એસપીવીએ મેળવવાની રહેશે તેમજ પરવાનગી મળ્યા બાદ પ્લાન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે અને રોજનું 27 કરોડ લિટર દરિયાનું ખારું પાણી પીવાલાયક મીઠું પાણી બનશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer