ભુજને ગટર સમસ્યાનો અજગર ભરડો કે, ભ્રષ્ટાચારનો ?

ભુજને ગટર સમસ્યાનો અજગર ભરડો કે, ભ્રષ્ટાચારનો ?
ભુજ, તા. 27 : શહેરમાં ગટર સમસ્યા ઉકેલવામાં સુધરાઇનું તંત્ર નિષ્ફળ નિવડયું હોવાની ભુજવાસીઓમાં લાગણી ફેલાઇ છે. છેલ્લા 20થી 25 દિવસથી મંગલમ ચાર રસ્તા તથા આસપાસના વિસ્તારો ગટર સમસ્યાને પગલે રીતસરના બાનમાં આવી ગયા છે. ત્રસ્ત બનેલા લોકો હવે તો કહી ઊઠયા છે કે, આટલા વર્ષોમાં આવી  હાલત ક્યારેય નથી થઇ. ભુજમાં ગટરલાઇનો એક બાદ એક વિસ્તારમાં બેસી રહી હોવાનું તથા ક્ષતિઓ સર્જાવાથી શહેરના છેવાડાના વિસ્તારોની સાથોસાથ પોશ વિસ્તારો પણ દૂષિત પાણી થકી બાનમાં આવી ગયા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં ગટરલાઇનો બેસતી હોવાનું વારંવાર જણાવાય છે પરંતુ મોટા ભાગે લાઇન જ્યાં બેસવાનું જણાવાય છે એ સ્થળે ભૂવા પડવા કે, માર્ગ બેસી જવા જેવું કંઇ દેખાતું નથી અને પછી તો ખોદકામમાં તંત્ર મચી પડે છે અને એક બાદ એક ઠેકાણે લાઇનો નવી નખાયા રાખે છે અને મસમોટાં બિલ તૈયાર થયા રાખે છે, જેથી દૂષિત પાણીની સાથોસાથ લોકોની સમસ્યાના નામે મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ પણ જાગૃતોને આવી રહી છે. ગટર કામો માટે તાજેતરમાં હોસ્પિટલ રોડ, સંતોષીમા મંદિર, ભીડ ચોક, સંસ્કારનગર, મંગલમ આસપાસના વિસ્તારો ફેવરિટની યાદીમાં હોવાનો કટાક્ષ પણ જાગૃત શહેરીજનો કરી રહ્યા છે. છેલ્લા 20થી 25 દિવસથી મંગલમ ચાર રસ્તા તથા આસપાસના વિસ્તારમાં ગટર સમસ્યાએ માથું ઊચક્યું છે અને સુધરાઇને ક્ષતિ માંડ માંડ મળી રહી છે. ઉપરાંત ચોક્કસ સ્થળે ગટરલાઇનમાં ડૂચા મરાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, પરંતુ આવાં તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સુધરાઇ લાજનો ઘૂંઘટો તાણીને બેઠી છે. ઉમેદનગર પાસે ગટરલાઇન મરંમત દરમ્યાન પાણીની લાઇન તૂટી જતાં કોલોનીમાં ગટરનું પાણી આવતાં ટાંકા ખરાબ થઇ ગયા હતા અને તેની સફાઇ કરાવવા એક ઘર દીઠ 1000 જેટલો સરેરાશ ખર્ચ રહેવાસીઓના ભાગે આવ્યો હતો. જો કે, પાંચેક દિવસથી સુધરાઇની ટીમ સાથે આ વિસ્તારના નગરસેવક જગત વ્યાસે સતત ઊભા રહી સમસ્યા હલ કરવા વ્યાયામ કર્યો હતો. ઉપરાંત જ્યાં સુધી ક્ષતિ મરંમત ન થઇ જાય ત્યાં સુધી રહેવાસીઓને પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપી હતી.  જોકે, ક્ષતિ મળી ગઇ?હોવાનું અને મરંમત કામ શરૂ થઇ ગયાનું શ્રી વ્યાસે જણાવ્યું હતું.મંગલમ આસપાસ ગટર સમસ્યા હજુ હલ નથી થઇ ત્યાં વોર્ડ નં. 1માં સંજોગનગરમાં ગટર મિશ્રિત પાણી વિતરણ કરાયાનું નગરસેવક કાસમ સમાએ જણાવ્યું હતું. આ ઉપરાંત વાણિયાવાડ સ્કૂલ પાસે ગત રાત્રે ગટર ઊભરાતાં આખા વિસ્તારમાં દુર્ગંધ ફરી વળી હતી. સ્ટેશન રોડ પર જયરત્ન બિલ્ડિંગ પાસે તો એકાદ માસ પહેલાં જ ભૂવો પડયો હતો અને મરંમત કામ કરાયું એ સમયે પાણીની લાઇન તોડી  પડાઇ હોવાનું વેપારીઓએ જણાવી ઉમેર્યું કે, જ્યારે પાણી વિતરણ કરાય છે ત્યારે અહીં પાણીનું તળાવ ભરાય છે. વાહનચાલકો, રાહદારી તથા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer