આદર્શ પશુપાલન કરવા માટે ઓછા પણ સારા પશુ રાખી વૈજ્ઞાનિક ધોરણે ઉછેર કરો

આદર્શ પશુપાલન કરવા માટે ઓછા પણ સારા પશુ રાખી વૈજ્ઞાનિક ધોરણે ઉછેર કરો
જિયાપર (તા. નખત્રાણા), તા. 27: આદર્શ પશુપાલન કરવા માટે ઓછા પણ સારા પશુઓ રાખી વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન કરવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ નખત્રાણા તાલુકાના જિયાપર ગામે આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના દ્વારા આયોજિત આ શિબિરમાં આજુબાજુના ગામોનાં સરપંચો, અગ્રણીઓ તેમજ મહિલાઓ સહિત આશરે 400 પશુપાલકોએ નફાકારક પશુપાલન માટે ઉપયોગી માહિતી મેળવી હતી. દીપ પ્રાગટય અને સ્વાગત ગીત બાદ ઇ.ચા. નાયબ પશુપાલન નિયામક ડો. ડી.જે. ઠાકોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ સહકારી ડેરીના વિકાસથી પશુપાલક આર્થિક રીતે સમૃદ્ધ થયું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ ખેતી અને પશુપાલનને કચ્છના પાયાના વ્યવસાયો ગણાવી તેના ઉત્થાન માટે જિલ્લા પંચાયત સતત કાર્યરત હોવાનું જણાવ્યું હતું. અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નફાકારક પશુપાલન કરવા માટે પશુઓની જન્મથી જ સારી માવજત કરવા જણાવ્યું હતું. નખત્રાણા તા.પં. પ્રમુખ નયનાબેન ડી. પટેલે આવી શિબિરો પશુપાલન વ્યવસાયનાં અદ્યતન જ્ઞાન માટે આવશ્યક ગણાવી હતી. જિ.પં. સદસ્યા કેશરબેન મહેશ્વરીએ ખાસ હાજરી આપી હતી. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આ શિબિરો ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. મ. પશુપાલન નિયામક ડો. પી.એન. દડગાએ પશુ રોગ સંશોધન કચેરીની કામગીરી સહિત પશુઓમાં થતા વિવિધ રોગો વિશે માહિતી આપી હતી. મદદનીશ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે આઇ-ખેડૂત પોર્ટલ પર અમલીકૃત પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી અને સમૂહલક્ષી યોજનાઓઁની માહિતી આપી હતી.સરહદ ડેરીના ડો. રાકેશ ત્રિવેદીએ નહિવત ખર્ચે ઘરગથ્થુ ઓસડોથી પણ ઘણી પશુ બિમારીઓનો ઇલાજ કરી શકાય તે બાબતે માહિતી આપી હતી. નેગીદાને પશુસંવર્ધન પશુ પોષણ અને પશુ આરોગ્ય વિશે માહિતી આપી હતી. નખત્રાણાનાં ડો. રામાણીએ પશુપાલન વ્યવસાયમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયોજન સરપંચ વિજયાબેન ગોસ્વામી, પૂર્વ તાલુકા ચેરમેન બાબુભાઇ ચોપડાના સહયોગથી કરાયું હતું. સંચાલન રવિભાઇ નામોરીએ અને આભારવિધિ ભાવેશભાઇ પોકારે કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer