માતૃ સંસ્થામાં સન્માન ગૌરવની વાત

માતૃ સંસ્થામાં સન્માન ગૌરવની વાત
ભુજ, તા. 27 : આર.આર. લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાંસદ વિનોદભાઇ ચાવડાનાં સન્માન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મંડળના પ્રમુખ શંકરભાઇ સચદેના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં મહામંત્રી ડો. મિહીર વોરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંડળના પ્રમુખ તથા ઉપપ્રમુખ જોરાવરસિંહ રાઠોડે શાલ અર્પણ કરીને જ્યારે કોલેજના પ્રિન્સિપાલ ડો. સી.એસ. ઝાલાએ પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉપસ્થિત સાંસદનું સન્માન કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતાં મંડળના પ્રમુખ શંકરભાઇએ જણાવ્યું કે આજે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અભૂતપૂર્વ સિદ્ધિને સન્માનવા માટેનો કાર્યક્રમ ભવાનજી અરજણભાઇ ખીમજી અને પુષ્પદાનભાઇ ગઢવીના અપવાદને બાદ કરતાં અન્ય કોઇ પણ સાંસદ સતત બીજી વખત ચૂંટાયા હોય તેવો આ પ્રથમ બનાવ છે. જોરાવરસિંહ રાઠોડે કોલેજ જીવનના પોતાનાં સંસ્મરણો તાજાં કરીને વિનોદભાઇની સિદ્ધિને બિરદાવી હતી. પ્રત્યુત્તરમાં વિનોદભાઇએ જણાવ્યું કે, મારી માતૃ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી સન્માન થાય છે તે મારા માટે આનંદ અને ગૌરવની વાત?છે. છેલ્લા કેટલાક વર્ષ દરમ્યાન લાલન કોલેજે જે સર્વગ્રાહી પ્રગતિ કરી છે તે નોંધનીય છે. લાલન કોલેજનું સ્થાન ગુજરાત રાજ્યની પ્રથમ પંક્તિની કોલેજોમાં આવે છે તેમ કહી કોલેજને અપાયેલી પાંચ લાખની ગ્રાંટનો ઉલ્લેખ કરી વ્યક્તિગત ધોરણે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળને રૂા. 51000 તથા 51000 કોલેજને અલગથી આપવાની જાહેરાત કરી હતી. મંડળના પ્રમુખ શંકરભાઇ સચદે તથા ઉપપપ્રમુખ જોરાવરસિંહ રાઠોડે 25000ની તથા સંસ્થાના સહમંત્રી શાંતિભાઇ દોશી તરફથી 11,111નો આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરાઈ હતી. કોલેજના પ્રિન્સિપાલ સી.એસ. ઝાલાએ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી કાર્યક્રમ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મંડળ તરફથી વખતોવખત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. આજીવન સભ્યો તરીકે જોડાનારા જુદા જુદા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગુલાબનાં ફૂલથી કરવામાં આવ્યું હતું. આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ ડો. નરેન્દ્ર ઠક્કરે કરી હતી. કોલેજના પટાંગણમાં સાંસદ તથા મંડળના તમામ હોદ્દેદારો, કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ?સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ ઝવેરી સોનેજી, ખજાનચી જગદીશભાઇ મહેતા તથા ડો. ફતુભા જાડેજા સહયોગી બન્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer