વ્યવસાય સામેના પડકારોને તકમાં બદલવા સી.એ. સભ્યોને કરાઈ હાકલ

વ્યવસાય સામેના પડકારોને તકમાં બદલવા સી.એ. સભ્યોને કરાઈ હાકલ
ભુજ, તા. 27 : ઈન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભુજ શાખાના વર્ષ 2020-21 માટેના પદાધિકારીઓનો પદાધિગ્રહણ સમારંભ નવનિર્મિત બ્રાન્ચ પરીસરમાં યોજાયો હતો. ઉપસ્થિત સભ્યોની હાજરીમાં વિદાય લેતાં ચેરમેન હાર્દિક ઠક્કરે ચેરમેનપદનો કાર્યભાર નવનિયુક્ત ચેરમેન જિતેન્દ્ર ઠક્કરને વિધિવત રીતે સોંપ્યો હતો. બ્રાન્ચના વાઈસ ચેરમેન તરીકે રમેશ પિંડોલીયા, સેક્રેટરી તરીકે આશિષ ગઢવી તથા ટ્રેઝરર તરીકે પૂર્વી દોશી (મહેતા) એ પણ કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને બોર્ડ ઓફ સ્ટડીઝ ઓપરેશનના ચેરમેન જય છેરા, વેસ્ટર્ન રિજીયન કાઉન્સીલના નવનિયુક્ત વાઈસ ચેરમેન વિશાલ દોશી તેમજ 2019-20 માટેના બ્રાન્ચ નોમીની અને રિજીયન કાઉન્સીલ મેમ્બર હિતેશ પોમલ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતા ચેરમેન હાર્દિક ઠક્કરે વર્ષ દરમ્યાન બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી, તો નવનિયુક્ત ચેરમેન જિતેન્દ્ર ઠક્કરે આવનારા વર્ષે કાર્યોના આયોજન વિષે વાત કરી હતી. જય છેરાએ વ્યવસાયના સભ્યો સમક્ષના પડકારો વિશે અને તે પડકારોને તકમાં પરિવર્તિત કરી પ્રગતિ સાધવા વિષે વક્તવ્ય આપ્યું હતું. વિશાલ દોશીએ નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયીઓને પ્રેક્ટિસ મેનેજમેન્ટ વિષેની ખૂબીઓ સમજાવી હતી. હિતેશ પોમલે ઉદબોધન કર્યું હતું. સંચાલન પરા ભીંડેએ, પૂર્વી દોશી (મહેતા)એ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer