-અને રવેચીધામ વેસરા પરિવારોથી ગાજ્યું

-અને રવેચીધામ વેસરા પરિવારોથી ગાજ્યું
રાપર, તા. 27 : કચ્છ વાગડના પ્રખ્યાત યાત્રાધામ મોટી રવ ખાતે આવેલા રવેચી માતાજીના ચરણે હજારો માઇભકતો યાત્રા ધામે વિવિધ માનતાઓ પૂરી કરવા આવે છે પણ 24/2/2020ના કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, વાપી, વલસાડ વગેરે જગ્યાએથી સમસ્ત ભરવાડ સમાજના વેસરા પરિવારોના હજારોની સંખ્યામાં ભકતો ઉમટતા રવેચી મંદિરનું પ્રાંગણ પણ ટૂંકું પડયું હતું.રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું, જેમાં પરસોતમપુરી બાપુ અને લોક સાહિત્યકાર મોરારદાન ગઢવી વગેરે કલાકારો જોડાયા હતા. સંતવાણીમાં 15થી 20 હજાર વેસરા પરિવાર (ભરવાડ સમાજ)ના લોકો ઉમટી પડતાં સંતવાણી ડાક, ડમરુ, ભુવા ભોપા ધૂણતા, ઐતિહાસિક રવેચી ધામમાં ભકિતમય વાતાવરણ સર્જાયું હતું. સવારે રવેચી માતાજીની ધ્વજા આરોહણ યોજાયું હતું જેમાં વેસરા સમાજના લોકો દ્વારા રવેચી માતાજીના ઘુમટ ઉપર નવી ધજા ચડાવાઇ હતી. ત્યારબાદ માતાજીની રજા લઇને નવચંડી યજ્ઞ કરાયો હતો, જેમાં પરિવારજનોએ લ્હાવો લીધો હતો. સવારમાં પણ વિવિધ ટ્રકો, લકઝરીઓ, ગાડીઓ મારફતે 10થી 15 હજાર લોકો ઉમટી પડતા હતા અને રવેચી માતાજીનો ભાદરવો મેળો હોય તેની યાદ અપાવી હતી. આટલી મોટી સંખ્યામાં વેસરા (ભરવાડ સમાજ)ના લોકો ઉમટી પડતાં ખાણી-પીણી વાળાઓને મોજ પડી ગઇ હતી. આમાં કાઠિયાવાડી ભરવાડોની સંખ્યા વિશેષ હતી. સમગ્ર નવચંડી યજ્ઞ અને ધ્વજા આરોહણ સમગ્ર વેસરા પરિવાર દ્વારા કરાયું હતું. માતાજીની પ્રસાદીરૂપે સમૂહ જમણવાર પણ રખાયો હતો. રાત્રે સંતવાણી, તો દિવસે ડી.જે. ઉપર રાસ ગરબાની કાઠિયાવાડી અંદાજમાં રમઝટ બોલી હતી. અત્રે આટલી મોટી સંખ્યામાં એક જ પરિવારના 20થી 25 હજાર લોકો ગાડીઓ મારફતે ઉમટી પડતાં રવેચીધામના મહંત ગંગાગરજી બાપુ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી, જેમાં મોટી રવ, નાની રવ, જેસડા, ત્રંબૌ, ગામના યુવાનો દ્વારા મંદિરે વ્યવસ્થા જાળવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer