ભારતીય મહિલા ટીમ વટભેર સેમિ ફાઇનલમાં

મેલબોર્ન, તા.27 : પ્લેયર ઓફ ધ વર્લ્ડ 16 વર્ષીય ઓપનિંગ બેટસવુમન શેફાલી વર્માની 46 રનની ઝડપી ઇનિંગ અને બોલરોના વધુ એક વખત શિસ્તબધ્ધ પ્રદર્શનથી ભારતે આજે અહીં ન્યુઝીલેન્ડ સામે 3 રને રોમાંચક જીત મેળવીને આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. શેફાલી વર્માએ 34 દડામાં ચાર ચોક્કા અને ત્રણ છગ્ગાથી 46 રનની વિજયી ઇનિંગ રમી હતી. શેફાલી આ ઇનિંગ છતાં ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 133 રનનો સામાન્ય સ્કોર નોંધાવી શકી હતી. જવાબમાં રસાકસી બાદ ન્યુઝીલેન્ડની મહિલા ટીમ 6 વિકેટે 130 રને અટકી હતી.ફરી એકવાર ભારતીય બોલરોએ અપેક્ષાકૃત ઓછા સ્કોરનો આબાદ બચાવ કર્યો હતો. એમિલિયા કેરે અંતિમ ઓવરોમાં 19 દડામાં અણનમ 34 રન કરીને મેચ રસપ્રદ બનાવ્યો હતો. આમ છતાં કિવિ ટીમ ભારતના સ્કોરથી 3 રન દૂર રહી હતી. ભારતીય મહિલા ટીમની આ સતત ત્રીજી જીત છે. પહેલા મેચમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અને બીજા મેચમાં બાંગલાદેશને હાર આપી હતી. જીતની હેટ્રિકથી ભારતીય મહિલા ટીમ ગ્રુપ એમાં 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. ભારત તેનો આખરી લીગ મેચ શનિવારે શ્રીલંકા સામે રમશે. ન્યુઝીલેન્ડને જ્યારે 21 દડામાં 44 રનની જરૂર હતી ત્યારે અમેલિયા કેરે મોરચો સંભાળ્યો હતો. તેણીએ19મી ઓવરમાં પૂનમ યાદવની બોલિંગમાં ચાર ચોક્કા લગાવીને મેચ રોચક બનાવ્યો હતો. ન્યુઝીલેન્ડને આખરી ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી. જો કે અનુભવી શિખા પાંડેએ નિર્ણાયક ઓવરમાં કિવિ બેટધરો પર અંકુશ મુકી રાખ્યો હતો. આથી અંતે ભારતનો 3 રને રોમાંચક વિજય નોંધાયો હતો. ભારત તરફથી પૂનમ યાદવ, દીપ્તિ શર્મા, શિખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ તમામને 1-1 વિકેટ મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી મેડી ગ્રીને 24 અને કેરી માર્ટિને 2પ રન કર્યાં હતા. ટોસ જીતીને ન્યુઝીલેન્ડે ભારતને દાવ આપ્યો હતો. ભારતીય સ્ટાર સ્મૃતિ મંધાના ફરી નિષ્ફળ રહી હતી. તેણે 11 રન કર્યાં હતા.આ પછી શેફાલીના સાથમાં તાન્યા ભાટિયાએ 23 રનની ઇનિંગ રમી હતી. ભારતે પહેલી 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 68 રન કર્યાં હતા. આ પછી બાકીની 11 ઓવરમાં 6પ રન કરીને 7 વિકેટ ગુમાવી હતી. ભારતીય મહિલા ટીમનું મધ્યક્રમ ફરી નિષ્ફળ રહ્યંy હતું. સુકાની હરમનપ્રિત કૌર (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. આખરી ઓવરોમાં રાધા યાદવે 9 દડામાં 14 અને શિખા પાંડેએ 10 રન કરીને ભારતને 133ના સ્કોરે પહોંચાડયું હતું. ન્યૂઝીલેન્ડની ટીમને શેફાલી વર્માના બે કેચ પડતા મૂકવા મોંઘા પડયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer