કાલથી બીજી ટેસ્ટ : ભારત સામે શ્રેણી બચાવવાનો પડકાર

ક્રાઇસ્ટચર્ચ, તા. 27 : અહીંની હેગલી ઓવલની ગ્રીન ટોપ વિકેટ પર શનિવારથી ભારતની ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉપરાઉપરી સાત મેચ જીતી ટોચના સ્થાને પહોંચનારી ટીમ ઇન્ડિયાને પહેલી ટેસ્ટમાં 10 વિકેટે કારમી હાર સહન કરવી પડી હતી. આથી બે મેચની સિરીઝમાં કિવીઝ ટીમ 1-0થી આગળ ચાલી રહી છે. હવે ભારતે શ્રેણી હારથી બચવા બીજી મેચમાં કરો યા મરોનો જંગ ખેલવો પડશે. બીજી ટેસ્ટની કિવી ઇલેવનમાં નીલ વેગનરનો સમાવેશ થઇ શકે છે. આથી તેમની પેસ બેટરી વધુ ખતરનાક બનશે. બીજી તરફ ભારત ઇલેવન પસંદગીના મામલે અવઢવમાં છે. યુવા પૃથ્વી શો નિષ્ફળ રહયો છે. આ ઉપરાંત તે આજે અભ્યાસ સત્રમાં પણ નેટમાં ઊતર્યો ન હતો. આથી તેનું બીજી મેચમાં રમવા પર સંશય પ્રવર્તે છે. બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ શનિવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 4-00 વાગ્યાથી થશે. પહેલી મેચની બન્ને ઇનિંગ્સમાં 200ના આંકડા સુધી પણ ન પહોંચનાર ભારત માટે બીજી ટેસ્ટમાં પણ હેગલી ઓવલની ઘાસવાળી વિકેટ પર કસોટી નક્કી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા પહેલીવાર રમશે. ટીમને અનુભવી પૂજારા, સુકાની કોહલી અને રહાણે પાસેથી મોટી ઇનિંગ્સની આશા રહેશે. બીજી તરફ મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું ખરાબ ફોર્મ ટીમની ચિંતાનું મોટું કારણ બન્યું છે. તેને પહેલી ટેસ્ટમાં માત્ર એક જ વિકેટ મળી હતી. શમીની ધાર પર બુઠ્ઠી રહી હતી. એક માત્ર ઇશાંત શર્માએ પ વિકેટ લઇને ધારદાર બોલિંગ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer