કચ્છના 4046 એકમ પાસે 5545 કરોડના વેરા બાકી !

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકારની વેટ, સેલ્સટેક્ષ, જીએસટી સહિતના વિવિધ વેરાની વાર્ષિક આવકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમો પાસેથી આવા બાકી વેરાની પૂરતી કડકાઇથી  વસૂલાત કરવામાં આવતી નથી. ગુજરાતના કુલ 33માંથી 31 જિલ્લાના કુલ 75976 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી કુલ રૂા.47347.07 કરોડ જેટલા ધરખમ વેરા બાકી વસૂલવાના બાકી છે. એમાં પણ એકમ દીઠ રૂા.10 લાખથી વધુનો ટેક્ષ બાકી હોય એવા 8883 જેટલા એકમોનો સમાવેશ થાય છે. કચ્છના 4046 એકમ પાસે રૂા. 5544.41 કરોડના વેરા બાકી છે. આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો દ્વારા જુદા જુદા જિલ્લામાં સેલ્સટેક્ષ, વેટ અને જીએસટીની વસૂલાત માટેના પૂછાયેલા પ્રશ્નોના લેખિત પ્રત્યુતરમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લામાંથી 31 જિલ્લાના કુલ 75976 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી વેરાની કુલ રૂા.47347.07 કરોડની લેણી રકમ નીકળે છે. જેમાં સૌરાષ્ટ્રમાં જામનગરના 1478 એકમો પાસેથી રૂા.671.80 કરોડ, જૂનાગઢના 562 એકમો પાસેથી રૂા.181.10 કરોડ, દ્વારકા જિલ્લાના 159 એકમો પાસેથી રૂા.1390.26 કરોડ, રાજકોટ શહેર અને જિલ્લાના 3964 એકમો પાસેથી રૂા.28.66 કરોડ, મોરબી જિલ્લાના 3964 એકમો પાસેથી રૂા.2866.50 કરોડનો સમાવેશ થાય છે જ્યારે કચ્છ જિલ્લાના 4046 એકમો પાસેથી રૂા.5545.41 કરોડના વેરા વસૂલવાના બાકી છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer