એલ.આઇ.સી.ના હજારો `સ્થગિત'' ગ્રાહકોની શોધખોળ

ગિરીશ જોશી દ્વારા-  ભુજ, તા. 27 : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધરૂપે અને આપણા જીવનને એક મોટું આર્થિક રક્ષણ પૂરું પાડતી ભારતીય જીવનવીમા નિગમની અનેક યોજનાઓનો લાભ લેવાને લોકો વિશ્વાસપાત્ર માને છે. ભારતભરમાં એલ.આઇ.સી.ના ટૂંકા નામ સાથે ઓળખાતી અને વિમાનું કવચ આપતી આ કંપનીમાં કચ્છના અંદાજિત સાત લાખથી વધુ લોકો જોડાયેલા હોવાથી પહેલી વખત એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, કરોડો રૂપિયાના વીમાની રકમ લેવા વર્ષો જૂના ગ્રાહકો આગળ નહીં આવતાં નિગમને શોધવા નીકળવું પડે છે. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને અથવા મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામેલા તેની પાછળ નિમાયેલી વ્યકિતને વીમાની પૂરી રકમ મળે અને વીમો ઉતારવાની સાથે જે કરવામાં આવતા કરારને શુદ્ધ વિશ્વાસ આધારિત દેશના ખૂણે ખૂણે 1956થી સ્થાપના પછી પથરાયેલી આ વીમા કંપનીના પાયા કચ્છમાં પણ વર્ષો જૂના છે. જીવનસાથી, જીવન મિત્ર, જીવન સરીતા, જીવન છાયા, મનીબેન્ક જેવી અનેક યોજનાઓ સાથે લોકોના હૃદયમાં સ્થાન પામી ચૂકેલી એલ.આઇ.સી.ની કચ્છની વાત કરીએ તો આજથી ત્રણ દાયકા પહેલાં જ્યારે  લોકોમાં વીમાના કવચની જાગૃતિ આવી ત્યારે એલ.આઈ.સી.ના વીમા એજન્ટ બનવાને પણ ગૌરવરૂપ ગણવામાં આવતા હતા. એ જમાનામાં એક કરોડના વીમા ઉતારી ચૂકેલા એજન્ટો કરોડપતિ વીમા એજન્ટની વ્યાખ્યામાં આવતા તેને મોટી સિદ્ધિ ગણવામાં આવતી હતી. બેન્ક, પોસ્ટ ઓફિસમાં વર્ષો પહેલાં ખાતાં ખોલાવી ચૂકેલા કચ્છના હજારો એવા ખાતેદારો છે જેમના ખાતાં ઉપયોગામાં લેવામાં આવતા નથી. એકમાત્ર ચાલુ ખાતાંની વાત કરીએ તો આવા અનક્લેઈમ્ડ ખાતાંઓની સંખ્યા 10 હજારને પાર કરી ગઈ છે. પરંતુ એક વખત વીમો ઉતરાવીને થોડા નિયમિત હપ્તા ભર્યા પછી પોતાની પોલિસી પણ ભૂલી ગયા હોય અથવા અન્યત્ર ચાલ્યા ગયા, હપ્તાની રકમ નહીં ભરી શકેલા કે જે એજન્ટો મારફતે વીમા ઉતારવામાં આવ્યા હોય એ એજન્ટે કામ છોડી દીધું હોય એવા અનેક કારણો હોઈ શકે છે, જેના કારણે કચ્છની એલ.આઈ.સી.ની મુખ્ય ચાર કચેરીમાં અંદાજિત 20 હજારથી વધુ એવી પોલીસીઓ છે જે જૈસે થેની સ્થિતિમાં પડી હોવાની એલ.આઈ.સી. સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. આ એવી યોજના છે જેના ફળ લાંબાગાળે મળતા હોય છે. 20 કે 25 વર્ષની પોલિસીમાં જોડાયેલા હોય એવા ગ્રાહકો સમય જતાં જુદા-જુદા કારણોસર અમુક વર્ષ હપ્તા ભરીને પછી લાંબી મુદ્દત હોવાનું વિચારી હપ્તા ભરવાનું બંધ કરી દે છે. આવા લોકોને પણ પોતાની પાકતી રકમ પરત મળી શકે છે. ખુદ એલ.આઈ.સી.એ જે સક્ષમ વીમા એજન્ટ છે તેઓને જે-તે વિસ્તારની યાદીઓ સોંપી એ ધારક સુધી પહોંચી શોધવાનું કામ સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાકતી મુદ્દતે બે-ત્રણ વર્ષ સુધી પ્રિમિયમ ભરનારાને રકમ મળતી હોય છે પણ જાગૃતિના અભાવે અધવચ્ચે વીમાના કવચમાંથી નીકળી ચૂકેલાને પણ ભરેલી રકમ વ્યાજ સાથે એલ.આઈ.સી. પરત આપે છે તેવું એજન્ટોનું કહેવું છે. મળેલા અંદાજિત આંકડા પ્રમાણે કચ્છમાં 7 લાખથી વધારે લોકો એલ.આઈ.સી. સાથે જુદી-જુદી યોજનાઓમાં જોડાયેલા છે, પરંતુ અંદાજિત 20 હજાર એવા ગ્રાહકો છે જેમને અંદાજે રૂા. 10 કરોડ જેટલી રકમ ચૂકવવાની થાય છે.આવા લોકો સુધી પહોંચવાના પ્રયાસો અમે પણ કરી રહ્યા છીએ એવું કચ્છના જૂના વીમા એજન્ટો પૈકીના કિશોરભાઈ સાંયાએ જણાવ્યું હતું. જે-તે વિસ્તારના મોટા એજન્ટોને યાદી આપવામાં આવે છે અને તેઓ સુધી પહોંચી પાકતી રકમ અપાય છે. કચ્છમાં એક હજાર જેટલા વીમા એજન્ટો છે, જેમાંથી મોટાભાગના ભલે સક્રિય નથી  પણ જે સક્રિય છે તેમને વીમા કંપની સામે ચાલીને બોલાવી એક હકારાત્મક પગલું ભરે છે તેવું પોતાના 30 વર્ષના અનુભવના આધારે તેમણે જણાવ્યું હતું. એવી જ રીતે 30?વર્ષથી એજન્ટ તરીકે સંકળાયેલા હીરાચંદભાઈ ઠક્કરે જણાવ્યું કે સાચો આંકડો તો રાજકોટની વડી કચેરીમાંથી મળે પણ અમે જેઓની પાકતી મુદત છે છતાં આગળ નથી આવ્યા એવા ખાતેદારોને અમે શોધી રહ્યા છીએ. ટપાલ મોકલીએ, રૂબરૂ સંપર્ક કરીએ, જે અહીંથી બદલી ગયા હોય એવા સુધી પણ પહોંચવવાનો પ્રયાસ કરીએ છીએ. એલઆઇસીની નિષ્ઠાને બિરદાવતા આ હેવાલ સંદર્ભે સાચો આંકડો કેટલો છે એ જાણવા ભુજ એલ.આઈ.સી.ના આસી. મેનેજર તેજસ પારેખનો સંપર્ક?સાધ્યો તો તેમણે કહ્યું કે ના આવું કંઈ જ નથી. જો આવું નથી તો શોધવા એજન્ટોને યાદી આપો છો એ વાત પૂછવામાં આવતા તેમણે કહ્યું કે એ તો વિગતો રાજકોટથી મળશે, રાજકોટમાં કોણ માહિતી આપશે એ પૂછવામાં આવતાં તેમણે કહ્યું, ત્યાં પણ કોઈ વાત નહીં કરે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer