ઘટેલી ટ્રાન્સફર ફીનો હજુ લાભ મળતો નથી : ડીપીટીમાં ફાઇલો અટકતાં નારાજી

ગાંધીધામ, તા. 27 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની લીઝ ઉપર અપાયેલી જમીનોની ટ્રાન્સફર ફીમાં ધરખમ ઘટાડાની શિપિંગ મંત્રાલયે જાહેરાત કર્યાના મહિનાઓ સુધી ટલ્લે ચડેલા પ્રશ્ને ડીપીટીએ માગેલી સ્પષ્ટતા પણ આપવા છતાં હજુ તેનું અમલીકરણ ઠેબે ચડી રહ્યું છે. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા રજૂ કરાતી ટ્રાન્સફરની ફાઇલો નવા નવા વાંધા-અધૂરાશો ઊભી કરીને પરત ઠેલી દેવાતાં સંકુલમાં નારાજગી પ્રસરી છે. લીઝ રેન્ટને બદલે ગ્રાઉન્ડ રેન્ટને લીઝ રેન્ટ ગણી લઇને તેના આધારે ટ્રાન્સફર ફી વસૂલવા શિપિંગ મંત્રાલયે સ્પષ્ટતા કરી હોવા છતાં ગ્રાઉન્ડ રેન્ટ ક્યારનું છે ? પહેલાં શું હતું ? જમીન ક્યારે લીઝમાં ગઇ વગેરે જેવા લાંબાલચક વાંધા ડીપીટીના નાણા વિભાગ દ્વારા ઊભા કરીને ટ્રાન્સફરની ફાઇલો પરત મોકલાઇ રહી છે. ટ્રાન્સફર ફી અને મોરગેજ ફીને લઇને ગાંધીધામ સંકુલના નાગરિકો ડીપીટી પ્રશાસનની રીતસર ગુલામી ભોગવતા હતા. છેલ્લે ગાંધીધામ ચેમ્બર દ્વારા વિશાળ જનઆક્રોશ મહારેલી યોજાયા બાદ તેનો નિવેડો આવવાનો શરૂ થયો હતો, પરંતુ સ્થાનિકે ડીપીટીનાં નાણાં વિભાગને ગમે તે કારણ હોય વહીવટ આસાન બનાવવાને બદલે પેચીદો બનાવવામાં રસ હોય તેમ એક એક ફાઇલ ઉપર હાઇ ગ્લાસથી તપાસ થઇ રહી છે.  આવી તપાસ પછી અધૂરાશો શોધીને ફાઇલો અટકાવાય છે, પરિણામે ઘટેલી ટ્રાન્સફર ફીનો લાભ હજુ સુધી આ સંકુલને  મળ્યો નથી. અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ સંઘ આગળવધતો નથી. કેટલાકના કહેવા મુજબ હવે પુન: શિપિંગ મંત્રી મનસુખભાઇ અહીં આવે પછી જ ફાઇલો મંજૂર થાય તેવું લાગે છે. ડીપીટીનો નાણાં વિભાગ ખૂબ જ વગોવાઇ રહ્યો છે, તેમ છતાં કેન્દ્રીય સ્તર સુધી હજુ સુધી તે દિશામાં કોઇ કડક કાર્યવાહી નહીં થતી હોવાથી ઉપર સુધી સૌને સાચવી લેવાતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer