કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ બદલાશે

ભુજ, તા. 27 : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક તરફ જ્યાં કાયમી કુલપતિ નીમવાની પ્રક્રિયા આગળ ધપી રહી છે. બીજી તરફ યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિ પણ હવે બદલાવા જઈ રહ્યા છે. યુનિ.ની સર્વોચ્ચ સત્તાધારી સમિતિ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 27મી માર્ચે મુદ્દત પૂર્ણ થશે અને દરેક ફેકલ્ટીના ડીન પણ નવા નિમાશે. ઇન્ચાર્જ કુલપતિ વરિષ્ઠ ડીન હોય છે, એ આધારે ડીન બદલતાં ઇન્ચાર્જ કુલપતિ બદલાશે. જો કે, કાયમી કુલપતિ નીમવા માટેની નવી રચાયેલી સર્ચ કમિટીની પ્રક્રિયા પણ આગળ ધપે છે અને ઇન્ચાર્જનો લાંબો સમય વીતી ગયો હોવાથી કમિટી એકાદ-બે બેઠકમાં જ નિર્ણય લઇ લે તો 27/3 પહેલાં કાયમી કુલપતિ મળી શકે.ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પદે સિનિયર ડીનની રોટેશન પ્રથાના આધારે નિયુક્તિ કરવામાં આવતી હોય છે. કેટલીક ફેક્લ્ટીમાં પ્રાધ્યાપક એકમાત્ર હોવાથી ડીન યથાવત રહે છે. નવા ડીન સાથે ઈ.સી એટલે કે એક્ઝિકયુટિવ કાઉન્સિલની નવરચના અંગેની વહીવટી પ્રક્રિયા પણ આગળ ધપી રહી હોવાનું જાણવા મળે છે. નિયમ અનુસાર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પદે કોઈ પણ વિદ્યાશાખાના વરિષ્ઠ ડીન આરૂઢ થતા હોય છે. વર્તમાન ઈન્ચાર્જ વી.સી ડો. દર્શનાબેન ધોળકિયા આર્ટસ ફેકલ્ટીના ડીન છે, પણ હવે તેમની મુદત પૂરી થઈ રહી છે. તેમનાં સ્થાને આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે અર્થશાત્રના પ્રાધ્યાપક કલ્પના સતીજા, અંગ્રેજીના પ્રાધ્યાપક કાશ્મીરાબેન મહેતા અને સંસ્કૃતના પ્રાધ્યાપકકે. એમ. ત્રિવેદીમાંથી કોઇ પણ ડીન બને તેવી શકયતા વ્યકત થઈ રહી છે. દરમિયાન કોમર્સ વિભાગના ડીન તરીકે પી. એસ. હીરાણી યથાવત રહે તેવી શકયતાઓ વચ્ચે સાયન્સ વિભાગના ડીન તરીકે ડો. ગિરીન બક્ષીના સ્થાને ડો. એમ.જી. ઠક્કર ડીન બને તેવી સંભાવના જોવા મળી રહી છે. પ્રક્રિયા અનુસાર ઈન્ચાર્જ વી.સી. નામોની દરખાસ્ત સરકારને મોકલતા હોય છે. ત્યારે યુનિ.ના નવા ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે ડો. એમ.જી. ઠક્કર અને ડો. પી. એસ. હીરાણીનાં નામો વરિષ્ઠ ડીન તરીકે યુનિવર્સિટીમાં ચર્ચામાં છે. આ તરફ એક્ઝિકયટિવ અને એકેડેમિક કાઉન્સિલની મુદત પૂર્ણ થયા બાદ તેની નવરચનાની પ્રક્રિયા પણ આરંભી દેવાઈ છે. જો કે, સેનેટની પાંચ વર્ષની મુદત હોય છે પણ સેનેટની વરણી પ્રક્રિયા અટવાયેલી હોતાં સેનેટ રચાવાના હાલ કોઈ એંધાણ દેખાતા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer