દર મહિને તલાટી સહમંત્રીઓ જિલ્લા બહાર બદલશે

ભુજ, તા. 27 : કચ્છની ગ્રામ પંચાયતોનો વહીવટ સંભાળવા તલાટી સહમંત્રીની 539 જગ્યા મંજૂર કરાઈ છે ખરી પણ ભરાઈ 416 જગ્યા. આમ 123ની ઘટ પૂરવાના પ્રયાસોને બદલે રાજ્ય સ્તરેથી દર મહિને જિલ્લા બહાર બદલી માગનારાની યોગ્ય માગણી મંજૂર કરાશે. આમ દર મહિને કચ્છમાં વધુ ને વધુ જગ્યા ખાલી પડશે. 70 અરજદારોની બદલી માટેની અરજી રાજ્યકક્ષાએ મુકાઈ છે, જે મંજૂર થાય તો 200 તલાટી સહમંત્રીની ઘટ થાય અને આ ઘટમાં દર મહિને વધારો થવા પૂરેપૂરી સંભાવના છે. આમ કચ્છના ગ્રામ્ય વહીવટને વીંઝાતો ફટકો ગંભીર પરિસ્થિતિ સર્જશે.વતનમાં બદલી ઈચ્છુકો રાજ્ય સ્તરે વહીવટ કરી રહ્યા હોવાની જાગેલી ચર્ચામાંથી એવોયે સૂર ઊઠી રહ્યો છે કે જેવી જગ્યા તે પ્રમાણે વ્યવહાર કરવો પડે. વતનમાં જગ્યા ખાલી ન હોય તો નજીકની જગ્યા માટેના પ્રયાસો પણ કરાતા હોય છે.આંતર જિલ્લા બદલી બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ગૌરાંગ પ્રજાપતિને પૂછતાં તેમણે જણાવ્યું કે, રાજ્યકક્ષાએથી પરિપત્ર આવ્યો છે તે મુજબ બદલી ઈચ્છુક તલાટી સહમંત્રીઓની અરજીઓ આવે તે રાજ્યકક્ષાએ દર મહિને મોકલવાની છે. મંજૂર - નામંજૂર કરવાનો નિર્ણય ત્યાં લેવાશે. જિલ્લા પંચાયતને ઓર્ડર આવે તે મુજબ તલાટી સહમંત્રીને છૂટા કરવાના રહેશે. જો કે, છૂટા કરવા પહેલાં સંબંધિત તલાટીના તાલુકા વિકાસ અધિકારી પાસેથી તલાટી ઉપર પોલીસ કેસ થયો છે કે કેમ, કોઈ તપાસ ચાલુ છે કે કેમ, ઓડિટ વસૂલાત બાકી છે વગેરે માહિતી મગાય છે. ટીડીઓના સર્ટિફિકેટ આવ્યા બાદ છૂટા કરાશે.અગાઉ આંતર જિલ્લા ફેરબદલી કે બદલી કરવાની જિલ્લા પંચાયતને સત્તા હતી ત્યારે માગણીવાળા જિલ્લામાં બદલી માગનારાની કેટેગરી જેવી કે જનરલ, એસ.સી., એસ.ટી.ની જગ્યા ખાલી હોવા અંગે જે તે જિલ્લા પંચાયતને પૂછાતું અને તે જિલ્લાની સહમતી મેળવાતી. જો ત્યાં વધારો હોય કે સ્થાનિકે ઘણી ઘટ હોય તેવા કિસ્સામાં ડિસ્ટ્રીક્ટ એડમિનિસ્ટ્રેશન ના પાડી દેતું.હવે સરકારના પરિપત્રમાં એવું જણાવાયું છે કે અરજી આવે તે મોકલી આપવી, સામેના જિલ્લાનું જોવું નહીં.કચ્છમાં આમેય તલાટી સહમંત્રી પાસે બેથી ચાર સેજા હોય છે એટલે કે દરેક સેજે રોજિંદી હાજરી શક્ય નથી. આંતર જિલ્લા બદલી ઈચ્છનારને નુકસાની બાબતે પૂછતાં શ્રી પ્રજાપતિએ જણાવ્યું કે સિનિયોરિટી ખલાસ થઈ જાય પણ વતનનો મોહ હોય તો જતી કરવા તૈયાર રહેવું પડે.ભરતી નિયમિત થતી નથી. કચ્છના ઉમેદવારો ઓછા પાસ થાય છે, તેથી મોટાભાગના બહારના ઉમેદવારો દાખલ થાય ત્યારથી વતનમાં બદલી માટેનું મન બનાવી લે છે. તેમાં હવે ભરતી તો થતી થશે પણ ઘટશે દર મહિને.  અત્યારે કેટલી અરજી રાજ્ય કક્ષાએ મોકલાઈ તે અંગે જણાવ્યું કે, 70 આવી હતી, તમામ મોકલાવાઈ છે તેમાંથી 14ના બદલીના ઓર્ડર આવી ગયા છે, 12 જેટલી નામંજૂર થઈ છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઘટ ન પૂરાય ત્યાં સુધી છૂટા ન કરાય. આવો ઠરાવ સામાન્ય સભામાં પણ કરાયો હતો. કચ્છના એક છેડેથી બીજો છેડો 350 કિ.મી. થાય. બદલી કરાશે તો ગ્રામ્ય લોકોની તકલીફ વધશે. જો કે, આ અંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર મારફતે મુખ્યમંત્રીને યોગ્ય કરવા રજૂઆત કરાઈ છે. તલાટી સહમંત્રીની જેમ ત્રણેક ગ્રામસેવકની પણ રાજ્યકક્ષાએથી બદલી મંજૂર થઈ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શિહોરાએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એન.એ.ની સત્તા કલેક્ટરને સોંપાઈ, શિક્ષણ સમિતિની સત્તા પણ રાજ્યકક્ષાએ ખેંચી લેવાઈ, સિંચાઈ સમિતિમાં ઈજનેરોની જગ્યાઓ ભરાતી નથી. જિલ્લા આયુર્વેદ અધિકારીનો હવાલો રાજ્ય સરકારની હોસ્પિટલના અધીક્ષકને સોંપાયો, આમ જિલ્લા પંચાયતનો વહીવટ કેવો ચાલશે તે બાબતે યક્ષ પ્રશ્ન ઊઠી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer