આદિપુરમાં બંધ મકાનમાંથી 2.82 લાખના રોકડ-દાગીના તફડાવાતાં ભારે ચકચાર

ગાંધીધામ, તા. 27 : આદિપુરના વોર્ડ-5 એ વિસ્તારમાં મચ્છોયા આહીર કન્યા વિદ્યાલય પાસે આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રોકડ રકમ, સોના, ચાંદીના દાગીના વગેરે મળીને કુલ રૂા. 2.82.000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.આદિપુરની મચ્છોયા આહીર કન્યા વિદ્યાલય પાસે વોર્ડ-પ એ, મકાન નંબર 369માં રહેતા તથા ભારાપરની સાલ સ્ટીલ લિમિટેડના એચ.આર. ડાયરેકટ અનિલ સતીશચંદ્ર પંડયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ વૃદ્ધ એવા ફરિયાદી તથા તેમના પત્ની ગત તા. 13/2ના સામાજિક કાર્ય માટે પુણે જવા નીકળ્યા હતા.ત્યાંથી પરત ઘરે આવવા માટે તેઓ તા. 23/2ના નીકળ્યા હતા. તેઓ અમદાવાદ હતા ત્યારે આદિપુરમાં રહેતા તેમના મકાન માલિક સુરેશ યાદવે તેમને ફોનકર્યો હતો અને તમારો દરવાજો હવાના કારણે ભટકાતો હોવાનું કહ્યું હતું. આ ફરિયાદીએ મકાન માલિકને ઉપર જઈને તપાસ કરવા અને મકાન અંદરનો વીડિયો મોકલવાનું કહ્યું હતું. મકાનના નીચેના માળે રહેતા મકાન માલિકે ઉપર જઈને જેયું તો તેમના મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદી ગત તા. 24/2ના અહીં આવી ગયા બાદ આજે બપોરે પોલીસના ચોપડે આ બનાવ ચડયો હતો.તેમના બંધ મકાનના તાળા તોડી મકાનમાંથી સોનાની ત્રણ ચેઈન, ચાંદીના 100 ગ્રામના સિક્કા 4 નંગ, 20 ગ્રામના સિક્કા નંગ 5, ચાર ઘડિયાળ લેપટોપના થેલામાં રહેલા રોકડા રૂા. 1 લાખ કબાટના ખાનામાં રાખેલા રૂા. 20,000 મંદિરના ખાનામાંથી ચાંદીનો કાચબો, લગડી 10 ગ્રામ, ચાંદીની બોલપેન તથા ભગવાનના અન્ય વાસણો, એક મોબાઈલ એમ કુલ રૂા. 2,82,000ની મતાની તફડંચી કરી નિશાચરો નાસી ગયા હતા. આદિપુરમાં અગાઉ થયેલી ચોરીની કોઈ ભાળ નથી મળી તેવામાં વધુ એક ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer