લાંચના કેસમાં સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેરને ત્રણ વર્ષની સાદી કેદ અને દંડ

ભુજ, તા. 27 : કેનાલની મરંમત માટેના કામનું પ્રથમ બિલ પાસ કરી આપવાના બદલામાં રૂા. 50 હજારની લાંચની માગણી કરનારા સિંચાઇ વિભાગ ભુજના મદદનીશ ઇજનેર પ્રવીણ હમીરભાઇ રોહિતને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 15 હજારના દંડની સજા અદાલતે ફટકારી હતી.રાપર તાલુકાની રવેચી પિયત સહકારી મંડળીના પ્રમુખ પાસેથી લાંચની માગણી કરવાનો આ કેસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવીને દાખલ કર્યો હતો. આ કેસ અદાલત સમક્ષ ચાલી જતાં ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ.પટેલે પાંચ સાક્ષી અને 39 દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સિંચાઇ વિભાગ ભુજના તત્કાલીન મદદનીશ ઇજનેર પ્રવીણ રોહિતને તકસીરવાન ઠેરવી તેને આ સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.ન્યાયાધીશે ચુકાદામાં ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ 13(1)(ઘ) સાથે 13(2) મુજબ ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 10 હજાર દંડ તથા કલમ સાત મુજબ એક વર્ષની સાદી કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા સંભળાવી હતી. જો આરોપી દ્વારા દંડની રકમની ભરપાઇ કરવામાં ન આવે તો તેને વધુ ત્રણ મહિના સાદી કેદમાં રાખવા પણ આદેશ કરાયો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા. આ સમગ્ર કેસની પૂર્વ વિગતો એવી છે કે વર્ષ 2013માં સરકારની યોજના મુજબ રવેચી પિયત સહકારી મંડળીને કેનાલની મરંમતનું રૂા. 90 લાખનું કામ મળ્યું હતું. મંડળીએ કરેલા કામ પૈકી પ્રથમ બિલની રકમ રૂા. 4.26 લાખની ચુકવણી કરી દેવામાં આવી હતી. આ બિલ પાસ કરવાના બદલામાં મદદનીશ ઇજનેર પ્રવીણ રોહિત દ્વારા રૂા. 50 હજારની માગણી અવારનવાર કરાતી હતી. દરમ્યાન આ બાબતે એ.સી.બી. સમક્ષ ફરિયાદ કરાતા વર્ષ 2014માં છટકું ગોઠવીને આરોપીને પકડી પડાયો હતો. જે કેસમાં આજે તેને કેદ અને દંડની સજા કરાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer