ભુજના ગાંજાના પ્રકરણમાં સુરતથી પોલીસે મહત્ત્વનું મનાતું માથું દબોચ્યું

ભુજ, તા. 27 : શહેરમાં ગીતા માર્કેટ વિસ્તારમાંથી સાડા અગિયાર કિલો ગાંજો અને લાખો રૂપિયાની રોકડ ઝડપાવાના મામલામાં મહત્ત્વની કડી મનાતો ઇસમ પશ્ચિમ કચ્છ પોલીસે હસ્તગત કર્યાનું સપાટીએ આવ્યું છે. આ ઇસમને સુરતથી હસ્તગત કરી લેવાયો હોવાની વિગતો પણ જાણવા મળી છે. આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરાયેલા ભુજવાસી પિતા-પુત્રના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જે આવતીકાલે પૂર્ણ થઇ રહયા છે. દરમ્યાન આ બન્ને પાસેથી મળેલી માહિતીથી પગેરું સુરત ભણી નીકળ્યા બાદ ત્યાં ધસી ગયેલી ટુકડીએ મહત્ત્વના આ ઇસમને હસ્તગત કરી લીધો છે.  સુરત ખાતે ભારે જહેમત બાદ હસ્તગતકરાયેલા આ ઇસમને ભુજ લવાયો છે. અલબત્ત જરૂરી કાયદાકીય પ્રાથમિક વિગતોના ધમધમાટ વચ્ચે આજે સાંજ સુધીમાં હજુ વિધિવત ધરપકડ બતાવાઇ નથી.મહત્ત્વનું મનાતું માથું હસ્તગત થયા બાદ તેની પાસેથી મળનારી વિગતોને લઇને કચ્છમાં ફેલાયેલા ગાંજાના ગેરકાયદે નેટવર્ક વિશે કડીબદ્ધ વિગતો મળવાની સંભાવના પણ જોવાઇ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer